વૅક્સિન ટ્રાયલમાં સફળતાના સંકેતથી સોના-ચાંદીની તેજીમાં પંક્ચર

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 20 : કોરોના વૅક્સિનની ટ્રાયલમાં સફળતા હાંસલ થઇ રહી હોવાના સ્પષ્ટ સંકેતો વહેતા થતાં સોનાની તેજીમાં પંકચર પડી ગયું છે. સળંગ બીજા સપ્તાહમાં સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં નરમ પડી ગયો છે. આ લખાય છે ત્યારે ન્યૂ યૉર્કમાં 1865 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ સોનું રનિંગ હતું
ચાંદી પણ ઘટીને 24.17 ડોલરના સ્તરે હતી. 
અમેરિકી ટ્રેઝરી વિભાગે પણ ઇમર્જન્સી લોન પ્રોગ્રામ અટકાવી દીધો છે એટલે સોના પર નકારાત્મક અસર થઇ છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટિવન નૂચિને અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને લખેલા પત્રમાં એવું જણાવ્યું છે કે, 455 અબજ ડોલર કે જે ટ્રેઝરીને માટે ફાળવવામાં આવ્યા છે તે કૉંગ્રેસને રિએલોકેશન માટે આપવામાં આવે. આ ટિપ્પણી પછી વૈશ્વિક શૅરબજારોમાં કડાકા બોલી ગયા હતા. ફેડરલ રિઝર્વ જો આસિસ્ટન્સ પ્રોગ્રામ સંકોચી લે તો સોના માટે નકારાત્મક સમાચાર ગણાશે.  
વિશ્લેષકો કહે છે, સોનામાં તેજી માટેનું એક જ કારણ હવે આવી શકે છે એ સ્ટિમ્યુલસ પૅકેજનું હશે. જ્યાં સુધી સરકાર આવું કોઇ પૅકેજ જાહેર ન કરે ત્યાં સુધી કોરોના વૅક્સિન અને ડૉલર જેવા મંદીના કારણ અસર કરશે. આવા સંજોગમાં સોનાનો ભાવ એક તબક્કે 1800 ડૉલર સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. 
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેન્કા દ્વારા કોરોના વૅક્સિનના પરિણામોમાં એવું ફલિત થયું છેકે તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉંમરલાયક લોકો અને ખાસ તો વયોવૃદ્ધ લોકોને પણ તેની સારી અસર થઇ છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 150ના સુધારામાં રૂા. 52,150 અને મુંબઇમાં રૂા. 63 વધતા રૂા. 50,407 હતો. 
ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂા. 550 વધી રૂા. 62,350 અને મુંબઇમાં રૂા. 522 વધતા રૂા. 62,027 હતી.Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer