ભાજપના કાર્યકાળમાં હજારો કરોડોના વીજ બિલની વસૂલી કેમ ન થઈ?

ઉદ્ધવ સરકાર તપાસ કરશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : ભાજપના શાસનકાળમાં વીજ બિલોની વસૂલી થઈ નહોતી એવો આક્ષેપ કરી મહારાષ્ટ્રના ઊર્જા પ્રધાન નીતિન રાઉતે શુક્રવારે કહ્યું હતું કે સરકારી વીજ કંપનીના વીજ બિલ પેટે જે લેણા બાકી છે એ મામલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તપાસનો આદેશ આપ્યો છે. 
પત્રકારો સાથે વાત કરતાં નીતિન રાઉત કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં પણ બિલ વસૂલીના મુદ્દાની ચર્ચા થઈ હતી. બેઠકમાં મુખ્ય પ્રધાને આ બિલની વસૂલી કેમ બાકી રહી એ વિશે તપાસનો આદેશ આપ્યો છે. 
માર્ચ 2014ના અંતમાં રાજ્યમાં 14,154.50 કરોડના બિલની વસુલી  બાકી હતી. આ રકમ વધીને 59,149.80 કરોડની થઈ ગઈ છે. આ માટે ભાજપની  સરકાર જવાબદાર છે. 
2014થી 2019 સુધી મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર હતી અને ઊર્જા મંત્રાલય ભાજપ પાસે હતું. 
ભાજપના કાળમાં સરકારી વીજ કંપનીઓનો દેખાવ ઉત્કૃટ હતો એવા ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના દાવાને નીતિન રાઉતે નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના કાળમાં આ કંપનીઓનો નફો ઘટ્યો હતો. લોકડાઉનમાં લોકોને આવેલા ઊંચા બિલના મુદ્દે ભાજપના આંદોલન વિશે બોલતા તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 28000 કરોડનો મહારાષ્ટ્રનો જીએસટીનો હિસ્સો હજી ચૂક્વ્યો નથી અને એ વિશે ભાજપ જો આંદોલન કરશે તો મને ગમશે. 
નીતિન રાઉતે કહ્યું હતું કે મારા મંત્રાલયે કેન્દ્ર પાસેથી રૂા. 10 હજાર કરોડની સહાય માગી હતી, પણ એ હજી મળી નથી. ભાજપના નેતાઓએ આંદોલન કરવાને બદલે બિલની કોપી લઈને મારી અૉફિસમાં આવવું જોઈ. હું જાતે એ બિલોને ચેક કરાવીશ. જો બિલ બરાબર હોય તો તેમણે એ ભરવાનું વચન પણ આપવું પડશે. બિલના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. 
પ્રધાને કહ્યું હતું કે માસિક 100 યુનિટનો વપરાશ ધરાવતા રહેણાક વીજ વપરાશકારો નિ:શુલ્ક વીજ આપવના મારા વચનને પાળવા હું કટિબદ્ધ છું. કોરોનાને કારણે આ સંબંધેની કમિટીની માટિંગ થઈ શકી નહોતી. કોરોનાનો પ્રકોપ પૂરો થશે અને ભાજપે વીજ કંપનીઓના માથે જે આર્થિક બોજ વધાર્યો છે એ પાપ ધોવાઈ જાય એ બાદ હું મારા વચનનો અમલ કરીશ એ તમે જાતે જોશો.
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer