ભૂતાન માટે આવતા વર્ષે સેટેલાઈટ લૉન્ચ કરશે ભારત

બંન્ને દેશના પ્રવાસીઓ માટે રૂપેકાર્ડ ફેઝ-રનું લૉન્ચિંગ
નવી દિલ્હી, તા.20: ભારત પોતાના પરમ મિત્ર ભૂતાનને હવે જમીન સાથે અંતરીક્ષ ક્ષેત્રે પણ સાથ-સહકાર આપશે. ભારત આવતાં વર્ષે ભૂતાન માટે એક સેટેલાઈટ લોન્ચ કરશે. જે માટે ઈસરોની ટીમ ભૂતાનના 4 વૈજ્ઞાનિકોને તાલીમ આપશે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભૂતાન સાથેના ભારતના સહયોગ અંગે કેટલીક મહત્ત્વની જાહેરાત કરી હતી. ભૂતાનના વડાપ્રધાન ડો.લોતે શેરિંગ સાથે રૂપેકાર્ડના ફેઝ ટૂનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરતાં મોદીએ કહ્યું કે ભૂતાન પ્રત્યે મારા મનમાં વિશેષ પ્રેમ છે. ગત વર્ષ મારી ભૂતાન યાત્રા વખતે રૂપે કાર્ડના ફેઝ-1 અંગે સમજૂતી થઈ હતી. હવે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધ બંન્ને રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણ છે. કોરોનાના મુશ્કેલ સમયમાં અમે ભૂતાનની પડખે ઉભા છીએ.
ભૂતાનની જરૂરિયાતો ભારત માટે હંમેશા અગ્રતાક્રમે રહેશે. વડાપ્રધાન મોદીએ ઉમેર્યુ કે ભારત અને ભૂતાનના સંબંધ દરેક સંબંધોથી પર છે. તેની કોઈની સાથે તુલના ન થઈ શકે. ભૂતાનને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધારવા ભારત આવતાં વર્ષે ભૂતાન માટે સેટેલાઈટ લોન્ચ કરશે.
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer