મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : મુંબઈમાંની સ્કૂલો હવે 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે, એવી જાહેરાત મુંબઈ પાલિકાએ શુક્રવારે કરી હતી. પહેલા સ્કૂલોને 23 નવેમ્બરથી ખોલવાની જાહેરાત કરાઈ હતી. જોકે, મુંબઈમાં કોરોનના કેસીસમાં ઉછાળો આવ્યો હોવાથી શાળાઓને 31 ડિસેમબર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 
મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પ્રવર્તતી સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ સમયપત્રક પ્રમાણે સ્કૂલોને ખોલવાનો સત્તાવાળા નિર્ણય લઈ શકે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. 
23 માર્ચે લૉકડઉનની શરૂઆત થઈ ત્યારથી મહારાષ્ટ્રમાં શાળાઓ બંધ છે. જોકે, સરકારે દિવાળીની રજા બાદ 23 નવેમ્બરથી 9થી 12 સુધીના ધોરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 
અધિકારીએ કહ્યું હતું કે મુંબઈમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. બીજું કેટલીક સ્કૂલોનો ઉપયોગ ટેસ્ટિંગ અને ક્વૉરેન્ટાઈન સેન્ટર તરીકે થઈ રહ્યો છે. કેસ વધે નહીં એ માટે અમે શાળાઓને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો ફેંસલો કર્યો છે. 
રાજ્યના શાલેય શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે રાજ્યમાં સ્કૂલો ખોલવી કે નહીં એ વિશેનો નિર્ણય દરેક શહેરના સત્તાવાળા ત્યાંની કોરોનીની પ્રવર્તતી સ્થિતિ પ્રમાણે લેશે. 
તેમણે કહ્યું હતું કે સ્કૂલો નહીં ખુલે તો પણ વિદ્યાર્થીઓ અૉનલાઈન ક્લાસીસ એટેન્ડ કરી શકે છે. 
ગુરુવારે મહારાષ્ટ્રમાંથી 5535 કોરોનાના નવા કેસ મળ્યા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની સંખ્યા 17,63,055ની થઈ ગઈ છે. ગુરુવારે 154 દરદીના મૃત્યુ થતાં અત્યાર સુધી કુલ 46,356 કોરોનાગ્રસ્તોનાં મોત થયાં છે. 
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer