શિયાળો જામતાં રવી પાકની વાવણી પુરબહારમાં

શિયાળો જામતાં રવી પાકની વાવણી પુરબહારમાં
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : દિવાળીના અરસામાં એકાએક તાપમાનનો પારો ખૂબ નીચે ઉતરી જતા હવે શિયાળુ પાકોના વાવેતર માટે ઉત્તમ સમય શરું થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ તાપમાન હવે 15 ડિગ્રી આસપાસ છે એ કારણે ખેડૂતોએ શિયાળુ વાવેતરની ગતિ વધારી દીધી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 ટકા વાવણી પૂરી થઇ ચૂકી છે.પરંતુ હવે ડિસેમ્બરના અંત સુધીમાં વાવેતર સંપુર્ણપણે આટોપાઇ જાય તેવી ધારણા છે. 
ગુજરાતના કૃષિ ખાતાની નોંધ પ્રમાણે 17 નવેમ્બર સુધીમાં 10.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. પાછલા વર્ષમાં 4.86 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતુ. ગુજરાતમાં કુલ 34-35 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે એ જોતા કુલ 30 ટકા જેટલી વાવણી સંપન્ન થઇ ચૂકી છે. 
ચણાના વાવેતરમાં ખેડૂતોએ તીવ્ર ઝડપ દાખવી છે. અગાઉ ટેકાના ભાવ પણ ચણામાં મળતા ન હતા. પરંતુ બે માસથી ટેકા કરતા વધારે ઉંચો ભાવ છે અને ચણાનું ભાવિ પણ સારું દેખાઇ રહ્યું હોવાથી ખેડૂતોએ વાવણીમાં ઉતાવળ કરી છે. ઉત્તર ગુજરાતમાં પાટણ અને દાહોદમાં વાવેતર સારું છે. એ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રમાં ચિક્કાર વાવેતર થવાના સંકેતો છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં 33 હજાર હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. ગુજરાતભરમાં ચણાનું સામાન્ય વાવેતર 2.90 લાખ હેક્ટરમાં થતું હોય છે. અત્યાર સુધીનો આંક 2.28 લાખ હેક્ટર સુધી ગયો છે.એ જોતા આ વખતે રેકોર્ડબ્રેક વાવણી થશે એ નક્કી છે. 
ઘઉંનો વિસ્તાર અત્યાર સુધીમાં 1.46 લાખ હેક્ટર થઇ ગયો છે. પાછલા વર્ષમાં 41067 હેક્ટરમાં વાવેતર થયું હતુ. ઘઉંનું વાવેતર કરવામાં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ મોખરે છે. તેલિબિયાંમાં રાયડાનું વાવેતર સાધારણ કરતા વધારે થવાની નજીક છે. 
લાંબાગાળાના પાક શેરડીનું વાવેતર 1 લાખ હેક્ટર નજીક પહોંચ્યું છે. જ્યારે મસાલામાં જીરુ, ધાણા, લસણ, સવા, ઇસબગુલ અને વરિયાળીના વાવેતર ગયા વર્ષ કરતા વધી ગયા છે. 
બટાટા અને ડુંગળીના ભાવ ખૂબ ઉંચા હોવાને લીધે વાવેતર વિસ્તાર પાછલા વર્ષ કરતા હાલ ઉંચો દેખાય છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer