70 લાખ ટન ખાંડની નિકાસ કરવી જરૂરી : ઈસ્મા

70 લાખ ટન ખાંડની નિકાસ કરવી જરૂરી : ઈસ્મા
નવી દિલ્હી, તા. 22 : ખાંડ બજારમાં સ્થાનિકમાં માલભરાવો અને આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠાખેંચની સ્થિતિ રહેવાની ધારણા છે.
ભારતમાં ખાંડની નવી મોસમ (ઓક્ટોબર-સપ્ટેમ્બર)ની ધમાકેદાર શરૂઆત થઈ છે. 15 નવેમ્બર સુધીમાં ખાંડનું સ્થાનિક ઉત્પાદન 14.1 લાખ ટન પર પહોંચી ગયું હતું, જે ગયા વર્ષના 4.84 લાખ ટનથી લગભગ ત્રણગણું છે, એમ ઈન્ડિયન સુગરમિલ્સ ઍસોસિયેશને જણાવ્યું છે.
આ વર્ષે વધારે મિલોએ શેરડીનું પિલાણ હાથ ધર્યું હોવાથી ખાંડનું ઉત્પાદન વધ્યું છે. ગયે વર્ષે આ સમયે 127 ખાંડમિલો કાર્યરત હતી, જ્યારે આ વર્ષે 274 મિલો ખાંડ બનાવી રહી છે.
15 નવેમ્બર સુધીમાં મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન 5.65 લાખ ટન, ઉત્તર પ્રદેશનું 3.85 લાખ ટન અને કર્ણાટકનું 3.4 લાખ ટન હતું, એમ ઈસ્માએ જણાવ્યું હતું. ગુજરાતની 14 મિલોએ 80,000 ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે.
ભારતમાં આ વર્ષે પણ ખાંડની માગ કરતાં પુરવઠો વધારે રહેવાની ધારણા છે. મોસમના પ્રારંભે ઉદ્યોગ પાસે 106.4 લાખ ટનનો ઉઘડતો સ્ટૉક હતો અને આ વર્ષનું ઉત્પાદન 310 લાખ ટન રહેવાનો અંદાજ છે.
ઈસ્માના કહેવા મુજબ ભારતે આ વર્ષે 60-70 લાખ ટન ખાંડની નિકાસ કરવી જરૂરી છે. ખાંડ ઉદ્યોગ નિકાસ સબસિડી અને બફર સ્ટૉક વિશેની સરકારી નીતિની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યો છે.
આ તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની વર્તમાન મોસમ ખાધવાળી રહેવાની ધારણા છે. ઈન્ટરનેશનલ સુગર ઍસોસિયેશને 2020-21ની મોસમમાં વૈશ્વિક સ્તરે 35 લાખ ટનની ખાધ રહેવાની આગાહી કરી છે. આ અગાઉ તેણે માત્ર 7.24 લાખ ટનની ખાધ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
આઈએમઓએ ખાંડના જાગતિક ઉત્પાદનનો અંદાજ અગાઉના 1735 લાખ ટનથી ઘટાડીને 1711 લાખ ટન કર્યો છે. થાઈલૅન્ડનું ઉત્પાદન 87 લાખ ટનને બદલે 82 લાખ ટન, ભારતનું 315 લાખ ટનને બદલે 310 લાખ ટન અને યુરોપિયન યુનિયનનું ઉત્પાદન 168 લાખ ટનને બદલે 163 લાખ ટનની થવાની શક્યતાને પગલે એકંદર ઉત્પાદનનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે.
ખાંડના વૈશ્વિક વપરાશનો અંદાજ અગાઉના 1742 લાખ ટનથી સહેજ વધુ 1746 લાખ ટન મૂકાય છે, જે વર્ષાનુવર્ષે 2.9 ટકાનો વધારો દર્શાવે છે.
2020-21ના સંયોગોનો વિચાર કરતી વખતે અનેક દેશોમાં, ખાસ કરીને યુરોપના દેશોમાં લોકડાઉનના નવાં પગલાંની જાહેરાતને ગણતરીમાં લેવી જોઈએ એમ આઈએસઓએ કહ્યું છે. 2019-20માં કોરોનાને કાબૂમાં લાવવા માટે લેવાયેલાં પગલાંને કારણે ખાંડના વપરાશમાં ઘટાડો થયો હતો.
2019-20 બ્રાઝિલનું ઉત્પાદન 374 લાખ ટનના અંદાજથી વધીને 398 લાખ ટન થવાથી તે મોસમના અંતે અગાઉ અંદાજિત 1.36 લાખ ટનને બદલે 190 લાખ ટનથી પુરાંત બાકી રહી હતી એમ આઈએસઓએ જણાવ્યું છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer