પલંગ નીચે માતાના હાડાપિંજર સાથે રહેતી મહિલા મળી આવી

મુંબઈ, તા 22 : ચોંકાવી દે એવા કિસ્સામાં, ખારના ચુઈમ ગામમાં 1500 ચો.ફૂટના કૉટેજમાં પલંગ નીચે રાખેલા 83 વરસની માતાના હાડાપિંજર સાથે અસ્થિર મગજની 48 વરસની પુત્ર રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. વૃદ્ધા ક્યારે અને કેવી રીતે અવસાન પામી એની કોઈ જાણકારી મળી શકી નહોતી. 
શુક્રવારે પડોશીએ એક માનસિક રીતે અસ્થિર મહિલા રસ્તા પર કચરો અનં ગંદવાડ ફેંકતી હોવાની કરેલી ફરિયાદને પગલે પોલીસને આ બાબતની જાણ થઈ હતી. પડોશીએ દાવો કર્યો હતો કે કોટેજમાંથી વિચિત્ર અવાજો પણ આવી રહ્યા હતા. 
સ્થાનિક રહેવાસીઓની પોલીસને મળેલી ફરિયાદને પગલે પોલીસ અધિકારીએ તપાસ હાથ ધરી છે. અધિકારીએ જ્યારે ઘરની ડૉરબેલ વગાડી ત્યારે કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો પણ વિશાળ ઘરમાંથી અવાજ આવી રહ્યો હતો. અધિકારીએ જોયું કે દરવાજો અધખુલ્લો હતો અને ઘરમાં બધું અસ્તવ્યસ્ત હતું, એમ ખાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગજાનંદ કબડુલેએ જણાવ્યું. 
અધિકારી બેડરૂમમાં ગયા ત્યારે મહિલા પલંગ પર બેઠી હતી અને પલંગ નીચે કોઈ માણસને ચાદરમાં વીંટાળીને રાખ્યો હોય એવું લાગતું હતું. મહિલાને જ્યારે પૂછ્યું ત્યારે એ કંઈ બબડી પણ અધિકારીને સમજાયું નહીં. અધિકારીએ ચાદર ખેંચવાની કોશિશ કરી પણ એ શરીર સાથે ચોંટીં ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે માત્ર હાડાપિંજર બચ્યું હોય. એમાંથી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે તુરંત એમ્બ્યુલન્સ બોલાવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. 
ઘરમાંથી મળેલા દસ્તાવેજો તપાસવાની સાથે પડોશીઓની કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતકનું નામ એવન ફર્નાન્ડીઝ હતું અને મહિલા મૃતકની પુત્રી મેરિયટ ફર્નાન્ડિઝ હતી. પડોશીઓએ જણાવ્યું કે એવનનો પતિ 2000માં મૃત્યુ પામ્યો હતો. એવનને ત્રણ સંતાનો હતા. જેમાંથી એક પુત્રી કેનેડામાં છે અને પુત્ર દુબઈમાં રહે છે. મેરિયટે પોલીસને પહેલાં જણાવ્યું કે માતા માર્ચમાં મૃત્યુ પામી હતી પણ પાછળથી જણાવ્યું કે ઓગસ્ટમાં મૃત્યુ પામી હતી. 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે તેમના સંબંધીઓ સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે મેરિયટ માનસિક રીતે અસ્થિર છે અને તેઓ આવી શકે એમ ન હોવાથી પોલીસને મૃતકનાં અંતિમ સંસ્કાર કરવા જણાવ્યું. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer