માતૃત્ત્વ પામવા માગતી મહિલાઓ પર પૂજારી ચાલ્યા

રાયપુર, તા 22 : એક વિચિત્ર અનુષ્ઠાનમાં, ગર્ભાધાનની લાલસા રાખનારી સેંકડો પરીણિત મહિલાઓ શુક્રવારે છત્તીસગઢના ધમતરી જિલ્લામાં એક મંદિરમાં પ્રવેશ કરવા પૂજારીઓ અને જાદુટોણા કરનારાઓને તેમની પીઠ પર ચાલવાની અનુમતિ આપવા માટે જમીન પર સૂઈ ગઈ હતી, એવા વિશ્વાસ સાથે કે તેમને બાળક થવાના આશીર્વાદ આપશે. 
દર વરસે મઢઈના મેળામાં ભાગ લેવા આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો મંદિરે આવે છે. મહામારીના સમયગાળામાં કોરોનાને કારણે રાજ્યમાં 270 લોકો મૃત્યુ પામ્યાં છે. 
અરાજકતાભર્યા મેળાના માહોલમાં સોશિયલ ડિસ્ટન્સિગના ધજાગરા ઉડ્યા હતા તો માસ્કને પણ કોરાણે મુકા દેવાયા હતા. આ ઘટનાના વાયરલ થયેલા વિડિયોમાં એક પણ વ્યક્તિ માસ્કમાં દેખાતી નથી. આટલું ઓછું હોય તેમ વિડિયો મજેદાર આવે એ માટે લોકો મજાકમસ્તી કરતા જોવા  મળે છે. 
રાયપુરથી લગભગ  90 કિલોમીટર દૂર છત્તીસગઢના ધમતરી જિલ્લામાં દેવી અંગારમોતીના મંદિરમાં દિવાળી પછીના પહેલા શુક્રવારે અનુષ્ઠાન થાય છે. 
છત્તીસગઢ રાજ્યના મહિલા આયોગનાં ચેરપર્સન કિરણમયી નાયકે જણાવ્યું કે અમે આ પ્રકારના કૃત્યનું સમર્થન કરતી નથી. આ ઘણું ખતરનાક છે કારણ પુરૂષો મહિલાઓના શરીર પર ચાલતા દેખાયા. આને કારણે શરીરના આંતરિક અંગોને નુકસાન પહોંચી શકે છે. 
હું મારી ટીમ સાથે ત્યાં જઈ જનજાગૃતિ અભિયાન ચલાવીશ. ઉપરાંત મહિલા ગર્ભ ધારણ કરે એ માટેની સર્વોત્તમ રીતો અંગેની જાણકારી આપવામાં આવશે. નાયકે વધુમાં જણાવ્યુ કે અમે એ વાતનું ધ્યાન રાખશું કે કોઈની ધાર્મિક ભાવના દુભાય નહીં. 
20 નવેમ્બરે બાવન ગામોની બસો જેટલી મહિલાઓ ઉંધી સૂઈ ગઈ, તેમા વાળ રસ્તા પર ફેલાયેલા હતા. માતાજીને લીંબુ, નારિયેળ અને પૂજા સામગ્રીની ભેટ ચઢાવાઈ. સેંકડો લોકો તેમની આજુબાજુ ઊભા હતા. બધી મહિલાઓ એક લાઇનમાં સૂઈ ગઈ ત્યારે એક ડઝન પૂજારી મોટી ધજાઓ લઈ પરિસરમાં પ્રવેશ કરવા મહિલાઓની પીઠ પર ચાલવા લાગ્યા હતા.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer