મહાપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરીમાં?

મુંબઈ, તા. 22 : મુદત પૂરી થઈ હોય અથવા વહેલી તકે પૂરી થવાની હોય એવી કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, વસઈ-વિરાર, ઔરંગાબાદ અને કોલ્હાપુર આ પાંચ મહાનગરપાલિકા, અંબરનાથ, કુળગાવ-બદલાપુર સહિત 15થી 20 નગરપાલિકા, નગરપંચાયતો અને રાજ્યની લગભગ 14,000 ગ્રામપંચાયતની ચૂંટણીઓ આવતા ફેબ્રુઆરીમાં યોજવાની તૈયારી રાજ્ય ચૂંટણી પંચે શરુ કરી છે. 
કોરોના સંક્રમણ હોવા છતાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ એ જોઈને રાજ્યમાં આ ચૂંટણીઓ યોજવાનું આયોજન થઇ રહ્યું છે. પરંતુ કોરોનાગ્રસ્તોની સંખ્યા અંકુશમાં આવે તો જ ફેબ્રુઆરીમાં ચૂંટણી લેવાનું વિચારાઈ રહ્યું છે. ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાર યાદીઓ અપડેટ થઈ રહી છે. કેટલીક ગ્રામપંચાયતોની ચૂંટણી 31મી માર્ચે યોજાવાની હતી પરંતુ કોરોનાને કારણે આ ચૂંટણીઓ આગળ ધકેલવામાં આવી છે. 
દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સંખ્યા અંકુશમાં રહે તો જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં મહાપાલિકાની ચૂંટણીઓ યોજવાનું આયોજન છે. 
દર્દીઓની સંખ્યા વધશે તો ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજવા સિવાય પર્યાય નથી એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એટલે કે ચૂંટણીનું ટાઈમટેબલ કોરોના સંક્રમણ કેટલું અંકુશમાં રહે છે તેના પર આધાર રાખે છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer