કોરોનાનો પ્રકોપ : ગુજરાતમાં ભાજપના જાહેર કાર્યક્રમો રદ

અમદાવાદ, તા.22: ગુજરાતમાં દિવાળી પછી કોરોના વાયરસે તેનું વિકરાળ રૂપ ધારણ કર્યું છે તેવા સમયે ભાજપના નેતાઓ દ્વારા કરાત સન્માન સમારંભો અને સ્નેહમિલનને લઈને આમ પ્રજામાં આક્રોશ વ્યાપી જવાનાં કારણે આખરે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોરોનાની સ્થિતિને અનુલક્ષીને તમામ જાહેર કાર્યક્રમો તાકીદે રદ્દ કરવાની કડક સૂચના જારી કરી છે.
નોંધનીય બાબત એ છે કે, ગઇકાલે ગઢડામાં આત્મારામ પરમારની જીતનો જશ્ન અને આજે બોટાદમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલનાં સ્નેહમિલન સમારોહમાં કોરોના પ્રોટોકોલનો સરેઆમ ભંગ થતા ચોમેરથી આકરી ટીકાઓ થઈ હતી. જીતના જશ્નમાં અને સ્નેહમિલન સમારોહમાં ધક્કામુક્કી સહિત માસ્ક ના પહેરવાના વીડિયો વિઝ્યુઅલ બહાર આવતા જ ભાજપ સંગઠનના નેતાઓને પણ લોકોની ટીકાઓનો રોષનો ભોગ બનવું પડયું હતું. 
જેને લઇને આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને જાહેર કાર્યક્રમો તાકીદે રદ્દ કરવાના આદેશ આપ્યા છે અને જ્યાં સુધી નવી સૂચના ના મળે ત્યાં સુધી ભાજપ તરફથી કોઇપણ કાર્યક્રમોનું આયોજન કરવું નહીં તેમજ અગાઉથી નક્કી થયેલ તમામ કાર્યક્રમો રદ્દ કરવા જણાવાયું છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer