કૉંગ્રેસમાં આંતરકલહ

સિબલના સવાલો સામે વફાદારો મેદાનમાં
નવી દિલ્હી, તા. રર : કોંગ્રેસમાં સક્રિય નેતૃત્વ અંગે આંતરક્લેશ ચર્ચાસ્પદ બની રહ્યો છે. પાર્ટી સાંસદ અને આઈએનસીના વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખી અસહમતી વ્યક્ત કરનારા ર3 નેતામાં એક કપિલ સિબ્બલે ફરી એકવાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે કોંગ્રેસ હવે અસરકાર રહી નથી. દોઢ વર્ષથી પાર્ટી અધ્યક્ષ વિહોણી છે આવી રીતે શું કોઈ પાર્ટી ચાલી શકે ?
એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં સિબ્બલે કહ્યું કે રાહુલ ગાંધીએ જ્યારે એલાન કર્યું હતું કે તેમને પાર્ટી પ્રમુખ બનવામાં કોઈ રસ નથી, ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસ મુખિયા વિહોણી છે. આ વાતને આશરે દોઢ વર્ષ થઈ ચૂક્યું છે. શું કોઈ પાર્ટી દોઢ વર્ષ નેતા વગર ચાલી શકે ? કોંગ્રેસી કાર્યકરોને પણ ખબર નથી કે અંતે તેમને ભવિષ્યમાં શું કરવાનું છે અને ક્યાં જવાનું છે.
સિબ્બલના મતે તાજેતરની ચૂંટણીઓથી ખબર પડે છે કે ઉત્તર પ્રદેશ સિવાય જ્યાં કોંગ્રેસ ફેક્ટર નથી, એટલે સુધી કે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ જ્યાં ભાજપ સાથે સીધી લડાઈ હતી ત્યાં પરિણામ ખૂબ ખરાબ આવ્યાં છે.  
બીજી તરફ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સિબ્બલ પર નિશાનો સાધ્યો કે સિબ્બલ અમારા નેતા નથી કે તેમનાં દરેક નિવેદનનો જવાબ આપવામાં આવે. કોંગ્રેસની કાર્ય કરવાની એક શૈલી છે. અધ્યક્ષ અંગે કાર્ય ચાલી રહ્યું છે જે પૂર્ણ થતાં જ જાહેર કરાશે. વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે કહ્યું કે પાર્ટીમાં નેતૃત્વનું કોઈ સંકટ નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે પાર્ટીમાં પૂરા સહયોગને એ દરેક વ્યક્તિ જોઈ શકે છે જે આંધળો નથી.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer