દેશમાં કોરોનાના માત્ર 4.85 ટકા કેસ સક્રિય

નવી દિલ્હી, તા. 22 : ભારતના જનજીવનને કોરોનાનું ગ્રહણ લાગેલું જ છે. છેલ્લા 24 કલાકમાં 45,209 નવા કેસ સામે આવતાં કુલ દર્દીઓની સંખ્યા 91 લાખની નજીક 90.95 લાખ થઇ ગઇ છે. દેશના વિવિધ ભાગોમાં રવિવારે વધુ 501 સંક્રમિતો `કોરોનાનો કોળિયો' બની જતાં મરણાંક વધીને 1,33,227 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 43 હજારથી વધારે સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ 85 લાખથી વધુ 85,21,617 દર્દીઓ અત્યાર સુધી સાજા થઇ ચૂકયા છે. આમ સાજા થયેલા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ લગાતાર વધતો રહીને રવિવારે 93.69 ટકા પર પહોંચી ગયો હતો.
બીજી તરફ કોરોનાથી થતા મૃત્યુનો દર પણ ઘટી જઇને 1.46 ટકા થઇ ગયો છે.
ભારતમાં આજની તારીખે લગાતાર બારમા દિવસે પાંચ લાખથી નીચે અર્થાત 4,40,962 સક્રિય કેસ છે. સક્રિય કેસોનું પ્રમાણ માત્ર 4.85 ટકા રહી ગયું છે.
છેલ્લા 24 કલાકમાં 10,75,326 ટેસ્ટ સહિત કુલ 13.17 કરોડથી વધુ ટેસ્ટ દેશમાં થઇ ચૂકયા છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer