કોરોનાગ્રસ્તોની સંખ્યા વધતાં પાલિકા ફરી સજ્જ

કોરોનાગ્રસ્તોની સંખ્યા વધતાં પાલિકા ફરી સજ્જ
મુંબઈ, તા. 22 : દિવાળી દરમિયાન બજારોમાં થયેલી ભીડ અને અરસપરસ મળવાનું વધતાં અંકુશમાં આવેલો કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં મુંબઈમાં દર્દીઓની સંખ્યા બમણા દરે વધી રહી હોવાથી પાલિકાની ચિંતા વધી છે. આથી પાલિકાએ તબીબી તપાસ અને પરીક્ષણોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વર્તમાનમાં બંધ રહેલાં કોરોના કેર સેન્ટર અને હોસ્પિટલોને પણ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. દિવાળી પહેલાં 16 નવેમ્બરે દર્દીઓની સંખ્યા 400 જેટલી નીચે આવી ગઈ હતી. ત્યારબાદ છેલ્લા પાંચથી છ દિવસમાં રોજ 400થી 500 દર્દીઓ વધતાં હતાં અને હવે 1,000થી વધુ દર્દીઓ મળી રહ્યા છે.  વધતી જતી સંખ્યાને લીધે પાલિકાએ `માઝે કુટુંબ, માઝી જવાબદારી'' અભિયાન તીવ્ર કરવા માટે પગલાં લીધાં છે. ગણેશોત્સવ બાદ સંક્રમણ વધ્યું ત્યારે આ અભિયાન ઉપયુક્ત ઠર્યું હતું. પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે અગાઉની ઝુંબેશ વખતે બંધ રહેલા ઘરોની હવે ફરીથી મુલાકાત લેવામાં આવશે. મુંબઈ બહારથી આવેલા લોકોની તપાસ અને પરીક્ષણો કરવામાં આવશે. દર્દીઓની સંખ્યા અંકુશમાં આવવાથી કામચલાઉ રીતે બંધ કરવામાં આવેલા કોરોના સેન્ટર જરૂર પડે તો ફરીથી શરૂ કરવામાં આવશે. કોવિડ હોસ્પિટલો પણ સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
દિવાળી દરમિયાન પરીક્ષણો ઓછાં થયાં હતા. હવે રોજ 17,000થી વધુ પરીક્ષણો થઈ રહ્યાં છે આથી પણ દર્દીઓની સંખ્યા વધી હોવાનો દાવો પ્રશાસને કર્યો છે. કોરોના સેન્ટર અને હૉસ્પિટલોમાં પૂરતા બૅડ ઉપલબ્ધ હોવાનું પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે.  દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી મુંબઈના મેયર કિશોરી પેડણેકરે લાંબા અંતરની ટ્રેનો 15 દિવસ માટે બંધ કરવાની માગણી કરી છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer