મુંબઈગરાઓએ લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે હજી રાહ જોવી પડશે

મુંબઈગરાઓએ લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે હજી રાહ જોવી પડશે
મુંબઈ, તા. 22 : દિવાળી પછી મુંબઈમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા જોતાં તમામ મુંબઈગરા માટે લોકલ ટ્રેન પ્રવાસની સુવિધા શરૂ કરવામાં હજી વિલંબ થશે એવું લાગે છે. આ પરિસ્થિતિમાં ચાલુ મહિનામાં લોકલ પ્રવાસની સુવિધા મળવાનું અશક્ય હોવાથી ડિસેમ્બરમાં આ અંગે નિર્ણય થઈ શકે છે એવું કહેવાય છે. 
રાજ્ય સરકારે ગત 28મી ઓક્ટોબરે મધ્ય અને પશ્ચિમ રેલવેને પત્ર લખીને સૌ કોઈ  માટે લોકલ શરૂ કરવાની પરવાનગી આપતાં હોવાનું સ્પષ્ટ કરીને રેલવેની તૈયારી અંગે માહિતી માગી હતી.
રેલવેએ પણ કુલ 80 લાખ લોકલ પ્રવાસીઓમાંથી બાવીસ લાખ પ્રવાસીઓને જ પ્રવાસ કરવાની પરવાનગી આપી શકાય એમ છે એવું એ જ દિવસે રાજ્ય સરકારને જણાવ્યું હતું. ત્યારબાદ બધાં માટે ટ્રેન શરૂ કરવા સંદર્ભે ન તો રાજ્ય સરકારે પહેલ કરી કે ન તો રેલવેએ. એ પછી રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલતા રહ્યા હતા. દિવાળી પછી કોરોનાગ્રસ્તોની સંખ્યામાં વધારો થશે એવી ચિંતા રાજ્ય સરકારે અગાઉ વ્યક્ત કરી હતી. 
વતર્માનમાં મધ્ય રેલવેના રુટ પર લોકલ ટ્રેનની 1,580 ફેરી થાય છે અને છ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનની 1,201 ફેરી થાય છે  અને ત્યાંથી પણ લગભગ છ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે રેલવેએ લગભગ 90 ટકા લોકલ ટ્રેન શરૂ કરી દીધી છે. રાજ્ય સરકાર તમામ મુંબઈગરા માટે પરવાનગી આપવાની વિનંતી કરે તો તેમની સાથે સમન્વય કરીને નિર્ણય લેવામાં આવશે.Published on: Mon, 23 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer