''મલબાર 2020''માં દરિયાઈ સુરક્ષા અંગેની કવાયત હાથ ધરાઈ

''મલબાર 2020''માં દરિયાઈ સુરક્ષા અંગેની કવાયત હાથ ધરાઈ
26/11 જેવો હુમલો ફરી અશક્ય 
 મુંબઈ, તા. 22 : ભારતીય નૌકાદળે મુંબઈ અથવા દેશના કોઈપણ દરિયાકિનારે 26/11 જેવો હુમલો ફરીથી થાય નહીં તે માટે કેવી તૈયારી હોવી જોઈએ તે માટેનો અભ્યાસ અરબી સમુદ્રમાં કર્યો હતો. ચાર દેશોની `મલબાર 2020'' સંયુક્ત કવાયતમાં મુખ્યત્વે આ જ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. 
ભારતીય નૌકાદળ સહિત અમેરિકા, અૉસ્ટ્રેલિયા અને જાપાનના નૌકાદળની સંયુક્ત કવાયતનું શુક્રવારે સમાપન થયું હતું. ઊંડા સમુદ્રમાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી. 
ભારતીય નૌકાદળ દ્વારા પશ્ચિમ નૌદળ કમાન્ડના અત્યાધુનિક યુદ્ધજહાજો એમાં સામેલ થયાં હતા. આ તમામ યુદ્ધજહાજોએ સમુદ્રમાં વર્ચસ્વ સ્થાપવું, યુદ્ધ જેવી સ્થિતિમાં બચાવ કાર્ય કરવું વગેરેની કવાયત હાથ ધરી હતી. અંતિમ દિવસે, સમુદ્રમાંથી આતંકવાદી હુમલો થાય તો તેનો સામનો કેવી રીતે કરવો તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 
સમુદ્રમાંથી આતંકવાદી હુમલો થાય અને તે જ વખતે શત્રુ દેશ દ્વારા યુદ્વસ્થિતિ નિર્માણ કરવામાં આવે તો તેનો સામનો કેવી રીતે કરવો તે અમેરિકન નૌકાદળે દર્શાવ્યું હતું. ભારતીય નૌકાદળના કાફલાની 'આઈએનએસ વિક્રમાદિત્ય'  યુદ્વનૌકા સાથે આઈએનએસ દિલ્હી, આઈએનએસ ચેન્નાઇ તેમજ ફ્રિગેટ અને અત્યાધુનિક સબમરીન આઈએનએસ ખાંદેરી આ કવાયતમાં સામેલ થયા હતા. અમેરિકન નૌકાદળનું  'યુએસએસ નિમિત્ઝ' વિમાનવાહક યુદ્ધજહાજ આ કવાયતની વિશિષ્ટતા હતી. આ કવાયતનો પ્રથમ તબક્કો નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં પાર પડ્યો હતો. અરબી સમુદ્રમાં કવાયતનો બીજો તબક્કો યોજાયો હતો.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer