ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ : સ્વદેશી કોવૅક્સિન 60 ટકા અસરદાર

ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ : સ્વદેશી કોવૅક્સિન 60 ટકા અસરદાર
ભારત બાયોટેક પાસે ત્રીસ કરોડ ડોઝની ક્ષમતા : ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ
 નવી દિલ્હી, તા. 22 : કોરોના મહામારી સામે સ્વદેશી ઉપચાર હવે આશાસ્પદ બન્યો છે. ભારતની પોતાની કોરોના વેક્સિનનું હાલ ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જે સાથે તૈયાર વેક્સિનનું વિતરણ, સ્ટોરેજ સહિતની નીતિ ઘડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. દેશના એરપોર્ટોને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
કોવિડ-19 રસીના પરીક્ષણ વિશ્વસ્તરે જારી છે. બ્રિટન, અમેરિકા અને રશિયા સહિત અનેક દેશોની કંપનીઓ દુનિયાને કોરોનાવાયરસનું એક સમાધાન આપવા દોડમાં છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક પણ તેમાંની એક છે જે કોવેક્સિનના વિકાસમાં લાગેલી છે.
ભારત બાયોટેકે આ મહિનના આરંભમાં રસીના ત્રીજા દોરનું પરીક્ષણ શરૂ કર્યું છે. 
ભારત બાયોટેકના દાવા અનુસાર તેની રસી કોરોનાવાયરસ સામે ઓછામાં ઓછા 60 ટકા અસરદાર હશે અને આ અસર તેનાથી વધુ પણ હોઈ શકે છે. જોકે કંપનીએ રસીની કિંમતનો ખુલાસ કર્યો નથી.
કોવેક્સિન ભારતની સ્વદેશી કોવિડ-19 રસી છે જેને ભારત બાયોટેક દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોવેક્સિનના સંગ્રહ માટે બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર રહેશે. હાલમાં ભારત બાયોટેક પાસે ત્રીસ કરોડ રસીના ઉત્પાદનની ક્ષમતા છે જેને આવતા વર્ષ સુધી વધારીને 50 કરોડ કરવામાં આવી શકે છે.
ત્રીજા ચરણના ટ્રાયલમાં ભારતમાં પચ્ચીસ કેન્દ્રો પર 26000 વોલંટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ ભારતમાં કોઈ પણ કોવિડ રસી માટેની સૌથી મોટી ક્લિનિકલ ટ્રાયલ છે. એટલું જ નહીં, આ ભારતમાં કોવિડની રસીના ત્રીજા ચરણમાં અસરને જાણવા માટેનો પહેલો અભ્યાસ છે.
વૅક્સિન ક્યારે ગણાશે સફળ ?
ત્રીજા તબક્કામાં કોવેક્સિન વોલન્ટિયર્સને ર8 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. વેક્સિનનો પ્રથમ ડોઝ લાગ્યાના 4ર દિવસ બાદ વોલન્ટિયર્સનો બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. શરૂઆતમાં 600 લોકોનો બ્લડ ટેસ્ટ કરવામાં આવશે અને જો તે સામાન્ય રહેશે તો વેક્સિનને સફળ માનવામાં આવશે. ત્યાર બાદ સરકાર અને ડ્રગ કંટ્રોલરની મંજૂરી મેળવવામાં આવશે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer