ડ્રગ્સ કેસ : ભારતી સિંહ અને પતિ હર્ષને ચોથી ડિસેમ્બર સુધીની જ્યુડિશિયલ કસ્ટડી

ડ્રગ્સ કેસ : ભારતી સિંહ અને પતિ હર્ષને  ચોથી ડિસેમ્બર સુધીની જ્યુડિશિયલ કસ્ટડી
આજે બંનેની જામીન અરજીની સુનાવણી
મુંબઈ, તા 22 : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કૉમેડિયન ભારતી સિંહ અને એના પતિની ડ્રગ્ઝ મામલે ધરપકડ કર્યા બાદ આજે કિલા કોર્ટમાં હાજર કરાતા બંનેને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટ તેમની જામીન અરજીની સુનાવણી સોમવારે હાથ ધરશે. 
એનસીબીએ કૉમેડિયનના ઘરેથી ગાંજો મળી આવતા ભારતીની શનિવારે તો એના પતિ હર્ષ લિંબચિયાને રવિવારે સવારે ધરપકડ કરી હતી. 
રવિવારે બંનેને કોર્ટમાં રજૂ કરાતા 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હોવાનું એનસીબીના વકીલ અતુલ સરપંદેએ જણાવ્યું હતું. 
કોર્ટના આદેશ બાદ ભારતી-હર્ષના વકીલ અયાઝ ખાને જામીન માટે રજી કરી હતી, મેજિસ્ટ્રેટ કોર્ટ સોમવારે જામીન અરજીની સુનાવણી કરશે. 
એનસીબીએ પૂછપરછ માટે લિંબચિયાની કસ્ટડી માંગી હતી જ્યારે ભારતીની કસ્ટડી માંગી નહોતી અને એને જ્યુડિશિયલ કસ્ટડી આપવા જણાવ્યું હતું. 
ખાને દલીલ કરી હતી કે, નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ)ઍક્ટમાં જણાવ્યા મુજબની ઓછી માત્રા કરતા પણ ઓછું ડ્રગ મળી આવ્યું હોવાથી કસ્ટોડિયલ પૂછપરછનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. 
મેજિસ્ટ્રેટે દલીલને માન્ય રાખવાની સાથે નોંધ્યું હતું કે પૂછપરછ માટે કસ્ટડીની જરૂર નથી કારણ શનિવારે લાંબો સમય પૂછપરછ કરવામાં આવી છે. સિંઘ અને લિંબચિયા વિરૂદ્ધ એનડીપીએસ ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 
આ કલમો હેઠળ આરોપીને છ મહિનાથી એક વરસની કેદની સજા થઈ શકે છે. આમાં એવો કેસ નથી બનતો કે આરોપીને જેલમાં રાખવા પડે. મને આશ્ચર્ય એ વાતનું છે કે એનસીબીને આટલી ઓછી માત્રમાં ડ્રગ મળ્યું હોવા છતાં ધરપકડ જેવી કાર્યવાહી કરી, એમ એડવોકેટ ખાને જણાવ્યું. 
જામીન અરજીમાં જણાવાયું છે કે હર્ષ અને ભારતી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી અને તેમના ભાગી જવાનો સવા જ ઉપસ્થિત થતો નથી. 
બંનેએ ડ્રગ્સ લીધું હોવાની કબુલાત કરી હોવાનો એનસીબીએ દાવો કર્યો છે એ અંગે પૂછતા ખાને કહ્યું કે, કોઈ પણ નિવેદન એનસીબી કે એના કોઈ પણ અધિકારી સમક્ષ કર્યું હોય તો એ સ્વીકાર્ય નથી એમ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું છે. મળેલી જાણકારીને પગલે એનસીબીએ શનિવારે સિંઘની અૉફિસ અને ઘરે દરોડા પાડ્યા હતા. 
એનસીબીના નિયમો મુજબ 1000 ગ્રામ કરતાસુધીના ગાંજાને ઓછી માત્રા ગણવામાં આવે છે અને એ માટે છ મહિના સુધીની જેલ અને /અથવા 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. જો 20 કિલો કે એથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવે તો ગુનેગારને 20 વરસની જેલની સજા થઈ શકે છે. 
જૂન મહિનામાં સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ વૉટ્સઍપના ચેટ્સમાં ડ્રગ્સનો ઉલ્લેખ આવતો હોવાથી કેન્દ્રિય એજન્સી બૉલિવુડમાં થઈ રહેલા કથિત ડ્રગ્સના ઉપયોગ અંગે તપાસ કરી રહી છે. એનસીબીએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, એના ભાઈ શોવિક અને સુશાંતના ઘરે કામ કરતા અમુક કર્મચારીઓની ધરપકડ કરી હતી. ઓક્ટોબરમાં હાઇકોર્ટે રિયા ચક્રવર્તી સહિત અન્ય આરોપીના જામીન મંજૂર કર્યા હતા. જોકે શોવિકની જામીન અરજીને હાઇકોર્ટે નકારી કાઢી હતી.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer