આલિયા ભટ્ટ અને રૂપાલી ગાંગુલી કોરોના પૉઝિટિવ

આલિયા ભટ્ટ અને રૂપાલી ગાંગુલી કોરોના પૉઝિટિવ
અભિનેતા રણબીર કપૂર કોરોનામાંથી સાજો થયો ત્યાં હવે તેની પ્રેમિકા આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, મારો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને હું ઘરમાં જ આઈસોલેટ છું. તમામ નિયમોનું પાલન કરું છું અને ડૉકટરની સલાહ પ્રમાણે સાવચેતી રાખું છું. મારી તબિયત સારી છે. તમારા પ્રેમ માટે આભાર. તમે પણ સાવચેત રહો અને કાળજી રાખો.
ઉલ્લેખનીય છે તે આલિયાના જન્મદિને બૉયફ્રેન્ડ રણબીર કોરોના પૉઝિટિવ હોવાથી આવી શક્યો નહોતો. હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં આલિયા સંજય ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ 30 જુલાઈએ રીલિઝ થવાની છે. 
બીજી તરફ ટીવી કલાકારોમાં પણ કોરોનાનો ઉપદ્રવ વધી રહ્યો છે. સીરિયલ અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવતી રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. રૂપાલીની સાથે સેટ પર અન્ય કલાકારો અને ક્રૂ મેમ્બર્સ પણ સંક્રમિત થયાની આશંકા છે. રૂપાલીના પતિ વનરાજ શાહનું પાત્ર ભજવતાં અભિનેતા સુધાંશુ પાંડેની તબિયત પણ બે દિવસથી સારી નથી. આથી નિર્માતા રાજન સાહી અને ટીમ સિરિયલના ટ્રેકને કઈ રીતે આગળ વધારવો તેની મથામણમાં છે. હાલમાં છૂટાછેડાનો ટ્રેક ચાલે છે. હવે રૂપાલી ગેરહાજર રહેતાં વાર્તામાં ફેરફાર કરવો પડશે. 
અનુપમામાં પરિતોષ શાહનું પાત્ર ભજવનાર આશિષ મેહરોત્રા પણ છેલ્લા કેટલાક એપિસોડમાં જોવા મળ્યો નથી. તે કોરોના પૉઝિટિવ હોવાથી હૉમ ક્વોરન્ટાઈન છે. 

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer