દિયા મિર્ઝા પ્રેગ્નન્ટ

દિયા મિર્ઝા પ્રેગ્નન્ટ
બૉલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરતાં ચોતરફ ચર્ચા થવા લાગી છે. દોઢ મહિના અગાઉ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરનારી દિયા તસવીરમાં દરિયા કિનારે સૂર્યાસ્ત સમયે ઉપસેલા પેટ પર હાથ મૂકીને ઊભી છે. તેણે તસવીર સાથે મેસેજ લખ્યો છે કે, ધરતીની જેમ માતા બનવાના આશીર્વાદ મળ્યા. એક જીવનની સાથે તમામ નવી બાબતોની શરૂઆત. હાલરડાં, ગીત, નવા છોડ તથા આશાનાં ફૂલ ખીલવાની. મારા ગર્ભમાં શુદ્ધ સપનાના પારણા કરવાના આશીર્વાદ.
હાલમાં જ દિયા માલદિવ્સમાં હનીમૂન કરીને પાછી ફરી છે. ત્યાં તેની સાથે પતિ ઉપરાંત ઓરમાન દીકરી પણ હતી. સામાન્ય રીતે ગર્ભાવસ્થાના ચોથા-પાંચમા મહિને ઉપસેલું પેટ દેખાય છે. જયારે દિયાના લગ્નને માત્ર દોઢ મહિનો થયો છે અને તેનું પેટ ઉપસેલું દેખાય છે. આથી તેની તસવીર પર જાતજાતની કમેન્ટ થઈ રહી છે. મોટા ભાગના લોકોનું કહેવું છે કે અભિનેત્રી ગર્ભવતી હોવાથી ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. 
ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન વૈભવ અને દિયા વચ્ચે નીકટતા વધી હતી અને બાદમાં  અભિનેત્રી વૈભવના પાલીહિલ સ્થિત ઘરે રહેવા ગઈ હતી. 2014માં દિયાએ સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા અને તે અગાઉ છ વર્ષ સુધી બંનેનો પ્રેમસંબંધ હતો. જો કે, 2019માં બંનેએ ડિવોર્સ લીધા હતા. જયારે વૈભવે પણ યોગ અને લાઈફ સ્ટાઈલ કોચ સુનયના સાથે લગ્ન કર્યા હતા તેમને એક ટીનેજ દીકરી છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer