બોન્ડ-ડૉલરની અસરે સોનામાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ.તા. 2 : બોન્ડના યીલ્ડ અને ડોલરની તેજી ઢીલી પડતા સોનામાં ગુરુવારે તીવ્ર ઉછાળો આવ્યો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1731 ડોલર અને ચાંદીનો ભાવ 24.91 ડોલર રહ્યો હતો. અમેરિકામાં આર્થિક પ્રગતિ વધી રહી હોવાના અહેવાલો આવતા હતા પરંતુ જોબલેસ ડેટા ખૂબ નબળો આવવાને લીધે સોનામાં અઠવાડિયાના અંતે સલામત રોકાણની માગમાં વધારો થયો હતો. શુક્રવારે ગુડ ફ્રાઇડેને લીધે વૈશ્વિક બજારો બંધ હતી. 
વિશ્લેષકોએ કહ્યું હતુ કે, મંદીમય સોનાની માર્કેટમાં કરેક્શન જેવો સુધારો આવ્યો છે. સોનું 1740 વટાવી શક્યું નથી. બજાર સોમવારથી ફરી સક્રિય થાય તો બોન્ડના યીલ્ડ અને ડોલરના મૂલ્યમાં સુધારો થવાની શક્યતા વધારે છે એટલે સોનામાં ફરીથી ઘટાડાની સંભાવના દેખાય છે. ડોલરનું મૂલ્ય સતત વધીને પાંચ મહિનાની ટોચ પર પહોંચ્યા પછી કરેક્શન આવ્યું છે એમ કહી શકાય. જોકે ડોલરની તેજી આવતા દિવસોમાં ચાલુ રહેવાની ગણતરી છે. 
અમેરિકી પ્રમુખ જો બિડને 2 ટ્રીલીયન ડોલર કરતા વધારે રકમના જોબપ્લાનની બુધવારે જાહેરાત કરી હતી. એ કારણે ફુગાવો વધવાની શક્યતા દેખાય છે. કદાચ એ કારણે સોનામાં સુધારો પચાવાયો છે. 
ભારતે માર્ચ મહિનામાં સોનાની 160 ટનની આયાત કરી છે. જે આગલા વર્ષની તુલનાએ 471 ટકા વધારે છે. આયાત કરમાં વધારો અને વૈશ્વિક ભાવમાં આવેલા ઘટાડાને કારણે આયાત સુધરી છે.  વળી,સોનાનો ભાવ ઓગસ્ટ 2020માં 2072 ડોલરની ટોચની સપાટીએથી 17 ટકા જેટલો તૂટી ગયો છે એ કારણે રોકાણકારો ફરીથી સોના તરફ વળ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં 321 ટનની આયાત થઇ હતી. જે પાછલા વર્ષમાં 124 ટનની રહી હતી. 
મુંબઇ બજાર ગુડફ્રાઇડેને લીધે બંધ હતી. જોકે રાજકોટની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ.320 વધીને રુ. 46930 હતો અને ચાંદી રુ. 1100 ઉંચકાઇને રુ. 66000 રહી હતી.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer