બાળમજૂરી અટકાવવા ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગની પહેલ

મુંબઈ, તા. 2 : વિશ્વભરમાં બાળમજૂરોને કોઈ પણ રૂપમાં રોજગાર નહીં આપવાની ઝુંબેશ ચાલી રહી છે. તમામ મુખ્ય આયાતકાર દેશો અને ખાસ કરીને યુએસએ આ બાબત ખૂબ સંવેદનશીલ છે. યુનાઈટેડ સ્ટેટ્સના મજૂર ખાતાએ તા. 30 સપ્ટેમ્બર 2020ના ચીજવસ્તુઓની મર્યાદિત આયાતની જે યાદી બહાર પાડી છે તેમાં ભારતીય કપાસિયા, રૂ, દોરા - યાર્ન અને અન્ય કૉમોડિટીઝનો સમાવેશ કરાયો છે, આથી ભારતીય કંપનીઓને સલાહ અપાઈ છે કે તેમના પોતાના એકમમાં કે સપ્લાયર અથવા ગ્રાહકની કંપનીઓમાં ક્યાંય બાળમજૂર કે ફોર્સ્ડ મજૂરને રોજગાર ન અપાય તેનું સતત ધ્યાન રાખે.  
ધી કોટન ટેક્સટાઈલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસિલ), એમ્પ્લોયર્સ ફેડરેશન અૉફ સધર્ન ઈન્ડિયા (ઈએફએસઆઈ), એથિક્લ ટ્રેડ ઈનીસીએટિવ (ઈટીઆઈ) અને ધી સધર્ન ઈન્ડિયા મિલ્સ ઍસોસીએશન (સીમા)એ સંયુક્તપણે તા. 30 માર્ચ, 2021ના `બાળમજૂર નાબૂદી' વિષય પર વર્ચ્યુઅલ રાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો હતો. આ સેમિનારનું ઉદ્ઘાટન કરતાં ટેક્સપ્રોસિલના ચૅરમૅન મનોજકુમાર પટોડિયાએ બાળમજૂર રોજગાર નાબૂદ કરવા અને મર્યાદિત યાદીમાંથી કપાસિયા, રૂ, દોરા, યાર્નને ડી-લિસ્ટિંગ દ્વારા મુક્ત કરવાની પહેલ હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો.  
ટેક્સપ્રોસિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સિદ્ધાર્થ રાજગોપાલે આવી પ્રક્રિયા અને પગલાં સમજાવ્યા હતા. તેમણે થર્ડ પાર્ટી એજન્સી રોકી અભ્યાસ કરવા, યુએસના લેબર ડિપાર્ટમેન્ટ અને એનજીઓ પાસેથી માહિતી ભેગી કરી વૃત્તાંતપત્રક તૈયાર કરવાની પહેલ સમજાવી હતી. બાળમજૂરોની નાબૂદી માટે આચારસંહિતા અપનાવવાની અને મજૂર ધારાઓની જોગવાઈઓનો કડકપણે પાલન કરવાની હાકલ તેમણે કરી હતી.  
ઈટીઆઈ-સાઉથ એશિયાના રીજીઓનલ ડાયરેક્ટર રાણા આલોક સિંઘે સામાજિક જવાબદારી અને સામાજિક અૉડાટિંગ પર પ્રકાશ પાડ્યો હતો. ઈએફએસઆઈના સ્ટેટ કમિટી સભ્ય કે. વર્ધને ટેક્સટાઈલ ઉદ્યોગમાં બાળમજૂર અને તરુણ મજૂરો સંબંધી કાનૂની જોગવાઈઓ સમજાવી હતી. સીમાના કાનૂની સલાહકાર વી. રઘુરાજને રોજગાર અંગે માલિકોની જવાબદારી સમજાવી હતી. ઈએફએસઆઈના સેક્રેટરી - જનરલ કે. મણિકેમએ કામદાર ધારાનું પાલન અને બાળમજૂર નાબૂદી અંગે વિવિધ સંસ્થાઓની કામગીરીની માહિતી આપી હતી.  
કારપેટ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સેક્રેટરી સંજયકુમારે તમામ કારપેટ લૂમોના ફરજિયાત રજિસ્ટ્રેશન, બાળમજૂર નાબૂદી માટેની આચારસંહિતાની અને વિવિધ કલ્યાણ સવલતોની માહિતી આપી હતી. સીમાના સેક્રેટરી-જનરલ ડૉ. કે. સેલવરાજુએ સત્રનું સમાપન કરતાં સીમાએ સૂચવેલા લેબર એમ્પ્લોયમેન્ટ કોડ અને આચારસંહિતાની માહિતી આપી હતી. આ કોડ કોઈ પણ ટેક્સટાઈલ મેન્યુફેક્ચારિંગ યુનિટને એનજીઓ અને અન્ય હિતધારકોની ટીકાથી બચાવશે.  
સીમાએ સસ્ટેનેબિલિટી સેલ સ્થાપ્યો છે જે ટેક્સટાઈલ મિલોને અૉડાટિંગ માટે અને એમ્પ્લોયમેન્ટ કોડ સર્ટિફાઈડ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેના પાલન માટે મિલોને મદદરૂપ થાય છે. માલિકોના પાલન માટે બાળમજૂરી નાબૂદ કરવાનો ડ્રાફ્ટ કોડ પણ સીમાએ વિકસાવ્યો છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer