નાની બચતના વ્યાજદર ભવિષ્યમાં ઘટે તો આ ત્રણ સ્કીમને વાંધો નહીં આવે

નાની બચતના વ્યાજદર ભવિષ્યમાં ઘટે તો આ ત્રણ સ્કીમને વાંધો નહીં આવે
પોસ્ટ વિભાગની સ્પષ્ટતા
નરેન્દ્ર જોશી તરફથી
મુંબઈ, તા. 2 : કેન્દ્ર સરકારે પોસ્ટની વિવિધ બચત યોજનાઓ ઉપર વ્યાજદરમાં કરેલો ઘટાડો રાતોરાત પાછો ખેંચી લીધો છે પરંતુ મધ્યમથી લાંબા ગાળાની થાપણો ઉપર વ્યાજદર આગળ જતાં-ભવિષ્યમાં ઘટે તો તેની શું અસર થશે એવો પ્રશ્ન મધ્યમવર્ગ અને વરિષ્ઠ નાગરિકોને સતાવી રહ્યો છે. ત્યારે પોસ્ટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) અને કિસાન વિકાસ પત્ર (કેવીપી) જે સમયે અથવા તારીખે ખરીદવામાં આવ્યાં હશે તે દિવસે લાગુ થયેલા વ્યાજદર કાયમ રહેશે અને તેમાં કોઈ ઘટાડો લાગુ નહીં પડે.
જનરલ પોસ્ટ અૉફિસ (જીપીઓ)ના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ એચ સી અગ્રવાલની કચેરી દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, મન્થલી ઈન્કમ એકાઉન્ટ, પબ્લિક પ્રોવિડન્ડ ફન્ડ, રિકરિંગ ડિપોઝીટ સ્કીમ અને સેવિંગ્સ ડિપોઝિટમાં આગળ જતાં વ્યાજદર ઘટાડો લાગુ થાય તો જૂના વ્યાજદરની અંતિમ તારીખ બાદ નવા વ્યાજદર લાગુ થઈ તેનો સરવાળો કરવામાં આવશે.
કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા દર ત્રણ માસ બાદ વ્યાજદરની સમીક્ષા કરવામાં આવે છે અને સરકારી બૉન્ડના વ્યાજદર સાથે તેને જોડી તેમાં થતાં ફેરફારોને લાગુ કરવામાં આવે છે.
વ્યાજદર કપાત તાત્કાલિક ધોરણે પાછી ખેંચવામાં આવ્યા બાદ 31 માર્ચ 2021ના રોજ જે વ્યાજદર વિવિધ બચત યોજનાઓ માટે લાગુ હતા તે નવા વ્યાજદર જાહેર થાય ત્યાં સુધી લાગુ રહેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
વ્યાજદરમાં આગામી સુધારો થાય ત્યાં સુધી જૂના દરો લાગુ રહેશે તેમાં સેવિંગ્સ ડિપોઝિટ્સ ઉપર ચાર ટકા, 1 વર્ષની એફડી ઉપર 5.5 ટકા, બે અને ત્રણ વર્ષની એફડી ઉપર 5.5 ટકા, પાંચ વર્ષની એફડી ઉપર 6.7 ટકા, પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ ઉપર 5.8 ટકા, સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ ઉપર 7.6 ટકા, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (પીપીએફ) ઉપર 7.1 ટકા, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) ઉપર 6.8 ટકા, મન્થલી ઇન્કમ એકાઉન્ટ ઉપર 6.6 ટકા અને કિસાન વિકાસ પત્ર (કેવીપી) ઉપર 6.9 ટકા વ્યાજદર લાગુ રહેશે એમ જીપીઓ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer