વાઝે ફાઈવસ્ટાર હોટલમાંથી ચલાવતો હતો વસૂલીનો ધંધો

12 લાખ રૂપિયા આપી 100 દિવસ માટે રૂમ બુક કરાવેલી
નવી દિલ્હી, તા. 2 : એન્ટિલિયા કેસમાં ધરપકડ કરવામાં આવેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે માટે 100 દિવસ માટે મરીન ડ્રાઈવની એક ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બૂક કરવામાં આવ્યો હતો. એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે વાઝે મુંબઈની આ હોટલના રૂમ નંબર 1964મા રહ્યો હતો અને કથિત રીતે વસૂલી રેકેટ ચલાવતો હતો. એન્ટિલિયા કેસ અને તપાસ એજન્સી દ્વારા દાખલ હત્યાના કેસમાં ડીસીપી રેન્ક સુધીના 35 અધિકારીઓની એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 
એનઆઈએનો દાવો છે કે વાઝેએ કથિત રીતે નરીમન પોઈન્ટ ઉપર સ્થિત હોટલમાં એક નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને રૂમ બૂક કર્યો હતો. આ રૂમ સુશાંત સદાશિવ ખામકરના નામે રાખ્યો હતો. એનઆઈએ અનુસાર 16 ફેબ્રુઆરીના વાઝે એક ઈનોવામાં હોટલમાં ગયો હતો અને એક લેન્ડ ક્રુઝરમાં 20 ફેબ્રુઆરીના રોજ બહાર ગયો હતો. બન્ને વાહન એનઆઈએએ જપ્ત કર્યા છે. એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે રૂમ 100 દિવસ માટે 12 લાખ રૂપિયામાં બૂક કરવામાં આવ્યો હતો. વાઝે અમુક વિવાદમાં એક વેપારીની મદદ કરી રહ્યો હતો. 

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer