અમને ટાર્ગેટ કરવાને બદલે લોકલ માર્કેટ અને ટ્રેનોની ભીડ પર ધ્યાન આપો : મૉલમાલિકો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.2 : મહારાષ્ટ્ર સરકારે મુંબઈ શહેરમાં અને રાજ્યમાં અન્ય ઠેકાણે કોરોનાના હિસાબે આકરા પ્રતિબંધો લાદ્યા એ બાદ શાપિંગ સેન્ટર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયાએ શુક્રવારે સરકારને શાપિંગ પ્લાઝાને સંભવિત પ્રતિબંધો દરમિયાન સામાન્યપણે ચાલુ રાખવાની અપીલ કરી હતી. 
મુંબઈના મેયરે ગુરુવારે કોરોના પર કાબૂ પામવા મોલ્સ બંધ કરવાના કરેલા સૂચન બાદ મોલવાળાઓએ આ પ્રતિક્રિયા આપી હતી. 
ઍસોસિયેશને કહ્યું હતું કે શાપિંગ મોલ્સને ખોટી રીતે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે એ બહુ કમનસીબ બાબત છે. જે લોકો ઘરની બહાર નીકળે છે એમાંથી માત્ર એક ટકા લોકો મોલમાં પ્રવેશે છે. લોકલ બજારો અને લોકલ ટ્રેનોમાં ભીડ સૌથી વધુ હોવા છતાં એ કેમ બંધ કરાતા નથી એની સમજણ પડતી નથી. 
ઍસોસિયેશને કોરોના સામેની લડાઈમાં સંપૂર્ણ સહકાર આપવાની પણ ખાતરી સરકારને આપી છે. ઍસોસિયેશને કહ્યું હતું કે મોલ્સ અને હોટેલોમાં કામ કરતા કર્મચારીઓ ગરીબ પરિવારના હોય છે અને જો એ બંધ કરાશે તો તેમના જીવન પર વિપરીત અસર પડી શકે છે. મોલ્સ અને હોટેલોને ટાર્ગેટ કરવા કરતાં સરકારે  સ્થાનિક બજારો અને ટ્રેનોમાં થતી ભીડને નિયંત્રણમાં કરવાની જરૂર છે. ફેબ્રુઆરીની મધ્યમાં બધા માટે લોકલ ટ્રેનો ખુલ્લી મુકાઈ એ બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. અત્યારે મોલમાં પ્રવેશ કરનારનો રેપિડ એન્ટિજન ટેસ્ટ થાય છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer