ચાર સ્ટેચ્યુટરી કમિટીઓની સોમવારે યોજાનારી ચૂંટણીમાં શિવસેનાનો વિજય નિશ્ચિત

પાલિકાની િતજોરીની ચાવી શિવસેના પાસે જ રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મુંબઈ મહાપાલિકાની ચાર સ્ટેચ્યુટરી કમિટીઓ -સ્થાયી સમિતિ, સુધાર સમિતિ, શિક્ષણ સમિતિ અને `બેસ્ટ' સમિતિના અધ્યક્ષપદ માટે પાંચમી એપ્રિલે ચૂંટણી થવાની છે. તેના સ્થાયી સમિતિના અધ્યક્ષપદ માટે યશવંત જાધવને સતત ચોથી વાર અને સુધાર સમિતિના અધ્યક્ષપદ માટે સદાનંદ પરબને સતત ત્રીજી વાર ઉમેદવારી આપવામાં આવી છે. શિક્ષણ સમિતિ માટે સંધ્યા દોશીને સતત બીજી વાર ઉમેદવારી આપવામાં આવી છે. `બેસ્ટ' સમિતિના અધ્યક્ષપદ માટે શિવસેનાએ ભૂતપૂર્વ અધ્યક્ષ આશિષ ચેમ્બુરકરને પુન: તક આપી છે. પાલિકામાં શિવસેનાનું સંખ્યાબળ અને તેને કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી અને સમાજવાદી પાર્ટીના ટેકાને કારણે તેના ઉમેદવારો ચારેય સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી જીતી જશે એમ જણાય છે.
ભાજપે સ્થાયી સમિતિ માટે રાજશ્રી શિરવડકરને, શિક્ષણ સમિતિ માટે પંકજ યાદવને, સુધાર સમિતિ માટે સ્વપ્ના મ્હાત્રે અને `બેસ્ટ' સમિતિ માટે પ્રકાશ ગંગાધરેએ ઉમેદવારીપત્ર ભર્યુ છે. કૉંગ્રેસ દ્વારા સ્થાયી સમિતિ માટે આસીફ ઝકેરિયા, સુધાર સમિતિ માટે અશરફ આઝમી અને `બેસ્ટ' સમિતિ માટે રવિરાજાએ ઉમેદવારી નોંધાવી છે.
આ સ્ટેચ્યુટરી કમિટીઓ માટે કૉંગ્રેસના નગરસેવકોએ ઉમેદવારી નોંધાવી હોવા છતાં તેઓ મતદાન પૂર્વે ઉમેદવારી પાછી ખેંચીને શિવસેનાના ઉમેદવારને ટેકો આપે એવી વકી છે. પાલિકામાં શિવસેનાના નગરસેવકો સહુથી વધારે સંખ્યામાં છે તેની તુલનામાં ઘણા ઓછા નગરસેવકો ધરાવતા કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી અને સમાજવાદી પાર્ટી શિવસેનાના ઉમેદવારને સમર્થન આપે એવુ અનેકવાર પાલિકામાં જોવા મળ્યું છે. સ્થાયી સમિતિ પાલિકાના નાણાં ખાતાનો અખત્યાર સંભાળે છે. તેથી સ્થાયી સમિતિના અધ્યક્ષપદે જાધવ ચોથી વાર જીતશે એ નકકી છે. તેથી પાલિકાની તિજોરીની ચાવી શિવસેનાના હાથમાં રહેશે એ નક્કી જ છે.
ફેબ્રુઆરી, 2017માં યોજાયેલી મુંબઈ પાલિકાની ચૂંટણીમાં શિવસેનાના સહુથી વરિષ્ઠ નગરસેવક યશવંત જાધવને મેયરપદ મળશે એવી ચર્ચા શરૂ થઈ હતી પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે શિવસેનાના મોવડીઓએ વિશ્વનાથ મહાડેશ્વર ઉપર પસંદગી ઉતારી હતી. હવે મેયરપદ નહીં આપી શકવાના બદલામાં શિવસેનાને યશવંત જાદવને સતત ચોથી વાર સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ આપ્યું છે. આ પહેલા શિવસેનાએ તેના નગરસેવકો રવીન્દ્ર વાયકરને અને રાહુલ શેવાળેને ચાર વખત સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ આપ્યું હતું.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer