થાણે, તા. 2 : સસરાની હત્યા કરી તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકનાર આરોપી જમાઈને થાણે રેલવે પોલીસે તાબામાં લીધો છે. કર્જત અને ભિવપુરી વચ્ચેની રેલવે ટ્રેક પર મૃતદેહ મળી આવ્યા બાદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર 17 માર્ચે મધ્ય રેલવેના કર્જત અને ભિવપુરી વચ્ચેની રેલવે ટ્રેક પર એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહ તાબામાં લઈ તપાસ હાથ ધરી હતી. આ હત્યા હોવાનું સામે આવ્યા બાદ કર્જત રેલવે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મૃતકની ઓળખ રવી પવાર (45) તરીકે થઈ હતી. અમરાવતી જિલ્લાના માણગાવમાં રહેનાર રવિ પવાર 16મી માર્ચે પોતાના જમાઈ સાથે બહાર ગયા હતા. પોલીસ પવારના ઘરે પહોંચી હતી ત્યારે પરિવારે જણાવ્યું હતું કે જમાઈ સાથે 13 માર્ચે રવિ પવાર ગયા બાદ ઘરે પાછા ફર્યા નથી. પોલીસને
મળેલી માહિતીના આધારે પોલીસે છટકું ગોઠવી જમાઈ શૈલેશ ભોસલેને મંગળવારે તાબામાં લીધો હતો. સસરાની હત્યા કેમ કરી અને તેનો હેતુ જાણવા તેની પૂછપરછ ચાલી રહી હોવાનું કર્જત પોલીસે જણાવ્યું હતું.
Published on: Sat, 03 Apr 2021