ભાજપના ઉમેદવારની કારમાં ઇવીએમ !

આસામમાં રાજકીય ઘમસાણ : કૉંગ્રેસ વતી પ્રિયંકાના પ્રહાર : ચાર મતદાન અધિકારી સસ્પેન્ડ
નવી દિલ્હી, તા. 2 : આસામમાં જામેલા ચૂંટણી સંગ્રામ વચ્ચે કરીમગંજ જિલ્લામાં ભાજપ  ઉમેદવારની કારમાંથી ઇવીએમ મળી આવતાં ભારે રાજકીય ઘમસાણ મચી ગયું છે. ચૂંટણીપંચે ચાર મતદાન અધિકારીઓને ફરજમોકૂફ કરી નાખ્યા છે.
પાથરકાંડી વિધાનસભા બેઠક પરથી લડી રહેલા કેસરિયા પક્ષના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની બોલેરો જીપકારમાંથી ઇવીએમ મળતાં કોંગ્રેસે તરત જ ભાજપ પર પ્રહારની તક ઝડપી લીધી હતી. 
કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બોલેરોમાં ઇવીએમ મળવાની ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને સવાલ ઊઠાવ્યો હતો કે જ્યારે પણ કોઇ ખાનગી ગાડીમાં ઇવીએમ મળે છે, તો તે ભાજપ નેતાની જ કેમ હોય છે ?
રાજકીય ઘમસાણ સાથે બબાલ વધી જતાં ચૂંટણીપંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી સમગ્ર મામલાનો વિસ્તૃત અહેવાલ માગ્યો છે.
દરમ્યાન, ચૂંટણીપંચે આખી ઘટના પર કેટલાક તર્ક આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ઇવીએમ લઇ જઇ રહેલી ગાડી ખરાબ થઇ જતાં મદદ માગી હતી અને જે બોલેરોમાં ઇવીએમ ખસેડાયું તે ભાજપ ઉમેદવારની છે, તેવી ખબર પાછળથી પડી હતી.
બોલેરોને રસ્તે રોકી, મતદાન ટીમના સભ્યોને સ્થાનિક લોકોએ નીચે ઉતારી દીધા હતા અને ભીડ હિંસા પર પણ ઊતરી આવી હતી.
ચૂંટણીપંચના અહેવાલમાં જણાવાયું હતું કે મળેલું ઇવીએમ સલામત છે, કોંગ્રેસ વતી પ્રિયંકા ગાંધીએ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી હતી.  

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer