દિલ્હીમાં લૉકડાઉન નહીં, પરિસ્થિતિ અગાઉ જેવી ગંભીર નથી : કેજરીવાલ

પાટનગરમાં કોવિડ-19ના ત્રણ હજારથી વધુ નવા કેસ નોંધાયા
આનંદ વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 2 : હાલ પાટનગરમાં કોવિડ-19 રોગચાળાની લહેર અગાઉની લહેરો જેવી ગંભીર નથી અને કોઈપણ પ્રકારનો લૉકડાઉન લાદવાની જરૂર નથી, એમ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવીને ઉમેર્યું હતું કે, અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. ભવિષ્યમાં લૉકડાઉનની જરૂર ઊભી થશે તો, હું કોઈપણ નિર્ણય લેવા અગાઉ સલાહમસલત કરીશ. જોકે, દેશમાં આ બીજી લહેર હોવાનું ગણાય છે, પરંતુ દિલ્હી માટે તે ચોથી લહેર છે.
શહેરમાં કોવિડ-19ના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને, કેજરીવાલના નિવાસસ્થાને તાકીદની બેઠક બોલાવાઈ હતી. કેજરીવાલે કહ્યું કે, કેસો ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ ચિંતાની બાબત છે, પરંતુ ગભરાયા જેવું કશું નથી. અૉક્ટોબરમાં હાલની જેમ દરરોજ ત્રણથી ચાર હજાર જેટલા કેસો નોંધાયા હતા ત્યારે અનેક દરદીઓ આઈસીયુમાં હતા. અનેક દરદી મૃત્યુ પણ પામ્યાં હતાં. પરંતુ હાલની લહેર પાછલી લહેર કરતાં ઓછી ગંભીર છે. વધુ લોકો હોમ આઈસોલેશન હેઠળ છે.
ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને આઈસોલેટિંગના ત્રણ મુદ્દા પર ભાર મૂકીને કેજરીવાલે જણાવ્યું છે કે, માસ્ક પહેરવાની હું લોકોને હાથ જોડીને વિનંતી કરું છું.
કોવિડ-19 વિરુદ્ધ રસી મેળવવા માટે 45 વર્ષથી મોટી વયની કોઈપણ વ્યક્તિને છૂટ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે હવે રસીઓ સુરક્ષિત-સલામત હોવાનું પુરવાર થયું છે. ત્યારે જો કેન્દ્ર સરકાર અમને મંજૂરી આપે તો  અને શાળાઓ તથા સ્વાસ્થ્ય સિવાયની અન્ય સુવિધાઓ ખાતે રસીકરણ શરૂ કરી શકીએ. અમે એમ્બ્યુલન્સો તથા અન્ય સુવિધાઓ તૈયાર રાખીશું.
તમામ માટે રસીકરણ ખુલ્લું મૂકવાનો પણ કેન્દ્રને કેજરીવાલે અનુરોધ કર્યો હતો.
હેલ્થ બુલેટિન પ્રગટ થવા પૂર્વે, મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, 15 માર્ચથી પાટનગરમાં કોવિડ-19ના કેસોમાં એકધારો વધારો થઈ રહ્યો છે. દિવસ દીઠ સંખ્યા 400 કેસોથી વધીને ગુરુવારે 2790 નવા કેસો પાટનગરમાં નોંધાયા હતા. શુક્રવારે 3583 લોકો સંક્રમિત થયા હતા. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાને બદલે નવા શૈક્ષણિક વર્ષના વર્ગો અૉનલાઈન ચાલુ રાખવાનું પણ દિલ્હીમાં શાળાઓને જણાવ્યું છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer