અભિનેતા સચીન જોશી સહિત ત્રણ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ ફાઇલ કરી

અભિનેતા સચીન જોશી સહિત ત્રણ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ ફાઇલ કરી
મુંબઈ, તા. 2 : યસ બૅન્ક કૌભાંડથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ઓમકાર રિઅલટર્સના અધ્યક્ષ કમલ ગુપ્તા, બાબુલાલ વર્મા, અભિનેતા - નિર્માતા સચીન જોશી, સહિત કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. સચીન જોશી બીકિંગ ગ્રુપ અને અન્ય કંપનીઓનો પ્રમોટર પણ છે.
મુંબઈની વિશેષ અદાલતમાં પ્રિવેન્શન અૉફ મની લોન્ડ્રિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપનામું દાખલ કરાયું છે. આરોપનામામાં ઓમકાર રિઅલટર્સ ઍન્ડ ડેવલપર્સે યસ બૅન્ક પાસે લોન રૂપે 400 કરોડ રૂપિયા લઈ તેને વિદેશ મોકલી આપ્યા હોવાનો ઉલ્લેખ છે. ઈડીએ આ અગાઉ ઓમકાર ગ્રુપના વિવિધ ઠેકાણે છાપો માર્યો હતો અને ત્રણની ધરપકડ કરી હતી.
આ કેસમાં ઔરંગાબાદ પોલીસે સૌથી પહેલી એફઆઈઆર નોંધી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે કમલ ગુપ્તા અને બાબુલાલ વર્માએ મુંબઈના વડાલાના આનંદનગર ઝૂંપડપટ્ટી પુનર્વસન (એસઆરએ) પરિયોજનાના નામે 410 કરોડ રૂપિયાની લોન લઈ અન્યત્ર વાપરી કાઢી છે. આમાંના 80 કરોડ રૂપિયા સચીન જોશીની કંપનીને સર્વિસ ફી અને રોકાણના નામે આપી દીધા હોવાનું દર્શાવાયું હતું.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer