દાઉદની ડ્રગ ફેક્ટરી ચલાવનાર દાનિશ ચીકનાની ધરપકડ

દાઉદની ડ્રગ ફેક્ટરી ચલાવનાર દાનિશ ચીકનાની ધરપકડ
મુંબઈ, તા. 2 : મુંબઈમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ડ્રગ ફેક્ટરી ચલાવનાર દાનિશ ચીકના રાજસ્થાનના કોટાથી પકડાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીપ પર દાનિશને કોટા પોલીસે તાબામાં લીધો છે. ડોંગરીમાં રહેતા દાનિશને એક-બે દિવસમાં મુંબઈ લાવવામાં આવશે. કોટા શહેર પોલીસ અધિકારી વિકાસ પાઠકે જણાવ્યું હતું કે દાનિશ પાસેથી 160 ગ્રામ ચરસ જપ્ત કરી છે.
કોટા ડીઆઈપી મુકુલ શર્માએ જણાવ્યું હતું કે ગુરુવારે અનંતપુરા પોલીસ સ્ટેશનની હદમાંના ઝોલવાડ રોડ પર ફોર લેન બ્રિજ પાસે નાકાબંધી કરાઈ હતી. આ દરમિયાન કોટાના નંબરની કારને રોકી તેની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન કારચાલક ત્યાંથી ફરાર થયો હતો. કારમાં બેઠેલો દાનિશ અમારા હાથમાં આવ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસે 160 ગ્રામ ચરસ જપ્ત કરી હતી. આ કારને પણ તાબામાં લેવાઈ હતી.
તપાસમાં સામે આવ્યું છે કે દાનિશ એનસીબીના બે કેસમાં વૉન્ટેડ છે. તેની સામે ડોંગરી પોલીસ સ્ટેશનમાં છ કેસ નોંધાયેલા છે. ટ્રાંઝિટ રિમાન્ડ પર તેને મુંબઈ લવાશે.
ગયા સપ્તાહે એનસીબીએ ડોંગરીમાં છાપો મારી ડ્રગ ફેક્ટરી સીલ કરી હતી. આ ફેકટરી યુસુફ ચીકનાના બંને પુત્ર દાનિશ અને રાઝિક ચીકના ચલાવી રહ્યા હતા.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer