પાકિસ્તાનના ઉદ્યોગો અને પ્રજાને માઠી અસર પહોંચશે

પાકિસ્તાનના ઉદ્યોગો અને પ્રજાને માઠી અસર પહોંચશે
ભારતથી રૂ-ખાંડની આયાતનો નિર્ણય ઊલટાવ્યો
અમારા પ્રતિનિધિઓ તરફથી  
મુંબઈ, તા. 2 : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને  ભારતથી ખાંડ અને કપાસની આયાતનો નિર્ણય લીધો અને  પછી રાજકીય દબાણમાં આવીને તરત ઉલટાવી નાખ્યો તેનાં આકરાં પરિણામો એ દેશના ઉદ્યોગો અને વપરાશકારોને ભોગવવા પડશે, એવું અહીંના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું. 
પાકિસ્તાનમાં ખાંડના ભાવ અત્યારે ભારતની સરખામણીએ ઘણા ઊંચા ચાલી રહ્યા છે. રમઝાન મહિનો આવી રહ્યો છે ત્યારે તેની માગ વધતાં ભાવ ચરમસીમાએ પહોંચશે એવું ત્યાંના વેપારી સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.  
પાકિસ્તાને બુધવારે ઘરઆંગણે વધતા જતા ભાવને અંકુશમાં લેવા ભારતથી પાંચ લાખ ટન સફેદ સાકરની આયાતને મંજૂરી આપી હતી. એ દેશના નાણાપ્રધાન હમ્મદ અઝહરે કહ્યું હતું કે પાડોશી દેશ ભારતમાં ખાંડના ભાવ પાકિસ્તાન કરતાં ઘણા નીચા હોવાથી પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રમાં ભારત સાથે ખાંડના વેપારને ખુલ્લો મૂક્યો છે. જૂન મહિનાના અંત સુધીમાં ભારતીય રૂની આયાત ઉપરનો પ્રતિબંધ પણ ઉઠાવી લેવામાં આવશે, એમ અઝહરે જણાવ્યું હતું.  
રાજકોટના એક વેપારી આનંદ પોપટે કહ્યું કે,  પાકિસ્તાનમાં આ વર્ષે કપાસની મોટી તંગી છે.  ત્યાંના ઉદ્યોગો ભારતથી કપાસની આયાત કરવાનું દબાણ લાવ્યા પછી તેની સરકાર તૈયાર થઇ હતી.    ત્યાંના મિલમાલિકોએ સરકારને સમજાવ્યું કે, ભારતીય કોટન તેમ જ યાર્નના ભાવ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછા છે. ભારતથી મોકલેલો કપાસ પાકિસ્તાનમાં ત્રણથી ચાર દિવસમાં પહોંચી શકે છે. અન્ય દેશોમાંથી આયાત કરવા પર ઉંચો ખર્ચ અને પાકિસ્તાન પહોંચવામાં એકથી બે મહિના લાગે છે. તેથી ભારતથી આયાત કરવાનું વ્યવહારુ છે. બીજી બાજુ, પાકિસ્તાને કપાસ ખરીદવાની તત્પરતા બતાવી પછી અહીંના નિકાસકારો પણ આ સિઝનમાં પાકિસ્તાનને 5-10 લાખ ગાંસડી કપાસની નિકાસ કરવા માટે આશાવાદી બન્યા હતા.  
પાકિસ્તાનની વાર્ષિક કોટન વપરાશ 120 લાખ ગાંસડી છે. તેની સામે આ વર્ષે ઉત્પાદન 77 લાખ ગાંસડીનું જ છે. અલબત્ત, અહીંના કોટન જિનર્સ તો આ ઉત્પાદનને માત્ર 55 લાખ ગાંસડી હોવાનું જ  માને છે. તેથી એ દેશમાં કપાસની અછત ઓછામાં ઓછી અછત 60 લાખ ગાંસડીની માનવામાં આવે છે.  પાકિસ્તાને અન્ય દેશોમાંથી આયાત કરી તે પછી પણ અત્યારે લગભગ 35 લાખ ગાંસડીની અછત અંદાજાય છે, જેને માત્ર આયાત દ્વારા જ પૂરી કરી શકાય છે.  વેપારીઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ખાંડનો ભાવ પ્રતિ ટન 694 ડોલર છે, જેની સામે ભારતીય વેપારીઓ સફેદ સાકર ફ્રી-ઓન-બોર્ડ 410થી 420 ડોલર ઓફર કર્યો હોત. ભારતીય નિકાસકારો દરિયાઈ તેમ જ જમીન માર્ગ, બંને રીતે માલ મોકલી શકે છે, જેનાથી તેને વૈશ્વિક કન્ટેઇનર શાપિંગ માર્કેટ્સમાં નોંધપાત્ર સ્પર્ધાત્મકતા મળે છે. 
ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ પ્રફુલ્લ વિઠલાણીએ વ્યાપારને કહ્યું હતું કે પાકિસ્તાનમાં ખાંડના ભાવ અત્યારે ભારતની સરખામણીએ ઊંચા ચાલી રહ્યા છે. ભારત સરકાર ખાંડની નિકાસ પર પ્રતિ ટન રૂા. 4000 સબસિડી આપે છે. જહાજી માર્ગે પાકિસ્તાન પહોંચ ખર્ચ રૂા. 6000 થાય છે.  

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer