મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન વિશે આજકાલમાં નિર્ણય : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન વિશે આજકાલમાં નિર્ણય : ઉદ્ધવ ઠાકરે
કોરોનાના કેસોની ઝડપ જોતાં 15 દિવસમાં બધી હૉસ્પિટલો ભરાઈ જશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્રમાં કોરોનાનો ઉપદ્રવ વકરી રહ્યો છે. તેથી આગામી એકાદ બે દિવસમાં પરિસ્થિતિ જોઈને અને નિષ્ણાતો સાથે સલાહમસલત કરીને સંપૂર્ણ લૉકડાઉન વિશે નિર્ણય લેવાશે એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું છે.
ઉદ્ધવ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રવાસીઓને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આઈસોલેશનના 2.20 લાખ બિછાનામાંથી 62 ટકા, આઇસીયુના 20,519 બિછાનામાંથી 48 ટકા, અૉક્સિજનના 62,000 બિછાનામાંથી 25 ટકા અને વેન્ટિલેટરના 9347 બેડમાંથી 25 ટકા ભરાયા છે. રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં 15 દિવસમાં બધા બિછાના ભરાઈ જશે. આપણે દવા મંગાવી શકીએ છીએ, બિછાના, આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધા ઊભી કરી શકીએ છીએ. આમ છતાં તબીબો, નર્સો અને તબીબી સેવા પૂરી પાડવામાં મદદ કરતા કર્મચારી અને ટેક્નિશિયનોની સંખ્યા ટૂંકા ગાળામાં વધારી શકીએ એમ નથી. મહારાષ્ટ્રમાં ગત 17મી સપ્ટેમ્બરે કોરોના ત્રણ લાખ એક્ટિવ દરદીઓ હતા અને મરણાંક 31,000 હતો. ગત 17મી સપ્ટેમ્બરે 24,619 દરદીઓ મળ્યા હતા. હવે પહેલી એપ્રિલે મરણાંક 54,900 સુધી પહોંચ્યો હતો. હવે પહેલી એપ્રિલના દિને 43,183 દરદીઓ મળ્યા છે. ગત ડિસેમ્બરથી કોરોનાના કેસો ઓછા મળવા માંડયા હતા. તેના કારણે આપણે કોરોનાને મહાત કર્યે એવું લાગતું હતું.
મુંબઈમાં ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દરરોજ સરેરાશ 350 દરદીઓ મળતા હતા. હવે મુંબઈમાં રોજ 8500 જેટલા દરદીઓ મળી રહ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં બધી હૉસ્પિટલોના બિછાના પૂર્ણપણે ભરાઈ જશે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કોરોનાને ખતમ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર બધા મોરચે લડી રહી છે. માર્ચ, 2020માં કોરોનાના ઉપદ્રવની શરૂઆત થઈ ત્યારે તેનો ટેસ્ટ કરવાની સુવિધા મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલ અને પુણેની એનઆઈવીમાં હતી. હાલ 500 પ્રયોગશાળામાં તેના પરીક્ષણની સુવિધા છે. બાદમાં આપણે દૈનિક 75,000 પરીક્ષણની ક્ષમતા હાંસલ કરી હતી. હાલ તે ક્ષમતા 1.82 લાખ પરીક્ષણની છે. આગામી સમયમાં તે વધારીને દૈનિક અઢી લાખ પરીક્ષણની કરવામાં આવશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા છે કે કુલ પરીક્ષણમાં 70 ટકા પરીક્ષણ ચોકસાઈ માટે જાણીતા આરટી-પીસીઆર દ્વારા થવા જોઈએ તે અમે કરીએ છીએ. અમે એક પણ દરદીને સંતાડયો નથી. વધુમાં ગુણવત્તામાં પણ બાંધછોડ કરવામાં આવતી નથી.
31 મિનિટ સુધી ચાલેલા સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાને મહાત કરવા રસીકરણને વેગ આપી રહ્યા છીએ. પહેલી એપ્રિલે એક દિવસમાં ત્રણ લાખ લોકોને રસી આપવામાં આવી હતી. બે ડોઝ લીધા પછી પણ કોરોના થતો હોવાની બાબત અંગે મેં વડા પ્રધાન મોદીનું ધ્યાન દોર્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે રસી લીધા પછી કોરોના થઈ શકે છે પણ તેની તીવ્રતા કે ઘાતકતા ઓછી હોય છે. આ રસી વરસાદમાં છત્રી જેવું કામ આપે છે. રસી આપવી અને કોરોનાનો ટેસ્ટ કરવો એ જ માત્ર ઉપાય છે એમ હું માનતો નથી. માત્ર બ્રાઝિલમાં ગત માર્ચમાં 60,000 લોકોએ કોરોનાથી જાન ગુમાવ્યા છે. ત્યાં લૉકડાઉન નથી પણ રસ્તાઓ ઉપર સ્મશાનવત શાંતિ છે. રસી લીધા પછી કોરોનાથી તકલીફ ઓછી થાય છે પરંતુ તેના કારણે અન્ય વ્યક્તિને તેનાથી સંક્રમિત થાય છે. કોરોના સામેના યુદ્ધમાં ખરા સૈનિકો નાગરિકો જ છે. નાગરિકો ગિરદી ટાળવાનું, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું અને વારંવાર હાથ ધોવાનું રાખે. તમે જો આ પ્રકારે વર્તણૂક દેખાડવામાં દૃઢ નિર્ધાર રાખશો તો કોરોનાને કાબૂમાં લઈ શકાશે.
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે અમુક ઉદ્યોગપતિ અને રાજકીય પક્ષો લૉકડાઉનનો વિરોધ કરે છે. મારે તેમને કહેવું છે કે તે રાજકીય પક્ષો કોરોનાગ્રસ્તોને મદદ કરવા તેમ જ તેઓના ટેસ્ટિંગ અને ટ્રેકિંગ માટે રસ્તા ઉપર ઉતરે. આ મુદ્દે હું રાજકારણ કરવા માગતો નથી. લૉકડાઉનનો વિરોધ કરનારા ઉદ્યોગપતિને કહેવા માગું છું કે રાજ્ય સરકાર કોરોનાની દવા, રસી અને હૉસ્પિટલની વ્યવસ્થા કરી શકે છે. તમે દરરોજ 50 તબીબો, વેન્ટિલેટર કે આઈસીયુનું સંચાલન કરનારા તજ્ઞોને લાવી શકશો? કોરોનાની સારવાર માટે તબીબો અને મદદનીશ સ્ટાફ ક્યાંથી લાવી  શકાશે? એ પ્રશ્ન છે એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer