તળ મુંબઈમાં ત્રણ વૈભવી સોસાયટીઓ સીલ

તળ મુંબઈમાં ત્રણ વૈભવી સોસાયટીઓ સીલ
મુંબઈ, તા. 3 : દક્ષિણ મુંબઈની ત્રણ હાઇરાઇઝ પૉશ સોસાયટીમાં મહામારી ફેલાતા બિલ્ડિંગના લક્ઝરી એપાર્ટમેન્ટમાં પરિવારે પોતાને આઇસોલેટ કર્યો હોવા છતાં મહાપાલિકાએ મનસ્વી નિર્ણય લઈ પૂરા બિલ્ડિંગને સીલ કરી દીધું હોવાનો આક્ષેપ રહેવાસીઓ કરી રહ્યા છે.
કફ પરેડ ખાતે 25 માળના જૉલી મેકર-1ની એ વિંગમાં સો ફ્લૅટ આવેલા છે, તો મેકર ટાવર-બીને શુક્રવારે મહાપાલિકાના એ વૉર્ડે સીલ કર્યા છે, તો નેપિયન્સી રોડ પર આવેલા એમ્બેસી એપાર્ટમેન્ટમાં 23 કેસ મળી આવ્યા બાદ મંગળવારે બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું. પાલિકા અધિકારીએ જણાવ્યું કે અમે નિયમ મુજબ આખા બિલ્ડિંગને સીલ કર્યું છે. પાલિકાના નિયમ મુજબ પાંચ કરતાં વધુ કેસ નોંધાયા હોય તો પૂરા બિલ્ડિંગને સીલ કરવાનો નિયમ છે. જો કેસ ઓછા હોત તો અમે ફ્લૉર સીલ કર્યો હોત.
જૉલી મેકર-1ના રહેવાસીના કહેવા મુજબ પાલિકાએ બિલ્ડિંગમાં કોવિડ-19ના છ કેસ નોંધાયા હોવાની નોટિસ લગાવી હતી, પણ બિલ્ડિંગમાં કોઈ આવ-જા કરે છે કે નહીં એનું કોઈ ધ્યાન રાખતું નથી. જૉલી મેકર-1 દેશની સૌથી અમીર હાઉસિંગ સોસાયટી છે અને એનું કોર્પસ ફંડ કરોડો રૂપિયામાં છે. અહીં કોર્પોરેટ માંધાતાઓ અને બિઝનેસમેન રહે છે.
મેકર ટાવર-બી સીલ કર્યા બાદ પાલિકાના અધિકારીઓએ હાઇ રિસ્ક કૉન્ટેક્ટ ધરાવનાર તમામના  આરટી-પીસીઆર ટેસ્ટ કર્યાં હતા. સ્થાનિક નગરસેવિકા હર્ષિતા નાર્વેકરે જણાવ્યું કે, આ એટલા માટે કરવામાં આવ્યું કે રહેવાસીઓને 14 દિવસના ક્વૉરન્ટાઇનમાં રહેવું ન પડે. જો વધુ કેસ ન મળે તો માત્ર ફ્લૉર જ સીલ કરવા પડે. એ સાથે તેમણે કબૂલ્યું હતું કે મોટી સોસાયટીને સીલ કરવી વ્યવહારું નથી, કારણ તમામ રહેવાસીઓને ત્યાં ઘરકામ કરનારા પણ રહેતા હોય છે. એટલે તમામ 150ને બદલે જે ફ્લૅટમાં કેસ નોંધાયો હોય એ સીલ કરવામાં આવે છે.
બાર માળના એમ્બેસી એપાર્ટમેન્ટમાં સાત દિવસમાં 23 કેસ નોંધાતા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં રહેતા ઘરકામ કરનાર ઉપરાંત એક ડ્રાઇવર પણ કોરોના પૉઝિટિવ હોવાનું જણાયું હતું. 
બૉમ્બે જિમખાના દસ દિવસ માટે બંધ કરાયું
ફોર્ટમાં આવેલા બૉમ્બે જિમખાના ક્લબને શુક્રવારથી 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. એના બસોમાંથી 16 કર્મચારી કોરોના પૉઝિટિવ આવતા બાયો-બબલ બનાવી શકાય એ માટે ક્લબ બંધ રખાશે. આ અંગેનો એક પરિપત્ર ગુરુવારે જારી કરાયો હતો, જેમાં સીઇઓ આર. ઈ. રેનજેને સભ્યોને જણાવ્યું હતું કે આ નિર્ણય મૅનેજિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. સુવિધાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે અને આ અંગેની તારીખની સભ્યોને જાણ કરવામાં આવશે.
Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer