નિયંત્રણો આકરાં હશે, પણ લૉકડાઉન હળવું

નિયંત્રણો આકરાં હશે, પણ લૉકડાઉન હળવું
મુંબઈ, તા. 3 : આગામી 15-20 દિવસ દરમિયાન જો કોવિડ-19ના કેસમાં આ રીતે જ વધારો થતો રહ્યો તો રાજ્યની આરોગ્ય સેવા પડી ભાંગે એવી શક્યતા  છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે સરકાર કડક પ્રતિબંધો અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. જોકે લૉકડાઉનને બદલે જાહેર સ્થળો પરની ભીડને નિયંત્રણમાં લેવા આકરાં પગલાં લે એવી શક્યતા છે.
શુક્રવારે મુંબઈમાં 19 મરણ અને 8844 નવા કેસ નોંધાયા હતા, તો મહારાષ્ટ્રમાં 202નાં મૃત્યુ થયાં હતાં તો 47,827 નવા કેસ નોંધાયા હતા. એટલે શુક્રવારે મુખ્ય પ્રધાને નિયમોનું કડકાઈપૂર્વક પાલન નહીં કરાય તો ફરી લૉકડાઉન અમલમાં મૂકવાની  ચેતવણી આપવી પડી. જોકે સરકારી અધિકારીઓનું કહેવું છે કે, લૉકડાઉન આટલું  જલદી અમલમાં નહીં મુકાય.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુંબઈ, થાણે, પુણે, નાગપુર જેવા રાજ્યના આઠ જિલ્લાઓમાં કોરોનાના કેસ ઘણા વધી રહ્યા છે. સમગ્ર રાજ્ય માટે એક જ નિયમ લાગુ કરવો યોગ્ય નહીં ગણાય. જોકે બધા વિકલ્પો ખુલ્લા છે, પણ લૉકડાઉન તાત્કાલિક લાગુ કરી શકાશે નહીં.
લૉકડાઉન અંતિમ વિકલ્પ છે. જો જનતા પ્રશાસનને સહયોગ આપે તો આપણને લૉકડાઉનની આવશ્યકતા નહીં રહે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું.
ઠાકરેએ એકદમ કડકાઈપૂર્વક જણાવ્યું હતું, મને પૂરી જાણ છે કે લૉકડાઉન નુકસાનકારક છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આપણી પ્રાથમિકતા જિંદગી બચાવવાની છે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં 2.2 લાખ આઇસોલેશન બેડ છે અને એ 62 ટકા ભરાઈ ગયા છે, તો આઇસીયુના 48 ટકા બેડ ભરાઈ ગયા છે અને વેન્ટિલેટરના ઉપલબ્ધ બેડમાંથી ત્રીજા ભાગના ભરાઈ ચૂક્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં જણાવ્યું કે, અમે લોકોના કોરોનાના ટેસ્ટ કરાવીએ છીએ જેથી તેમને સમયસર સારવાર મળી શકે. પરંતુ કેસમાં ઘટાડો કેવી રીતે કરી શકાય એનો ઉપાય કોઈ જણાવતું નથી. આપણે બધા જાણીએ છીએ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર હાથ ધોવા જરૂરી છે, પણ કોઈ એનું પાલન કરતું નથી.
Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer