કૉમોડિટી વૉલ્યુમ્સમાં ઝડપી ઘટાડાને રોકવા નાણાપ્રધાન સમક્ષ રજૂઆત

કૉમોડિટી વૉલ્યુમ્સમાં ઝડપી ઘટાડાને રોકવા નાણાપ્રધાન સમક્ષ રજૂઆત
દિલ્હી, તા. 4 : કૉમોડિટી પાર્ટિસિપન્ટ્સ ઍસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીપીએઆઈ)એ તાજેતરમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનને મળીને એક્સચેન્જ ઉપર ટ્રેડ થતી કૉમોડિટીઝનાં વોલ્યુમમાં આવી રહેલા ઝડપી ઘટાડાને અટકાવવા હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. 
બેઠક દરમિયાન સીપીએઆઈના પ્રતિનિધિઓએ કૉમોડિટી એક્સચેન્જીસની પ્રવાહિતાને નષ્ટ કરી રહેલા ઉદ્યોગના અવરોધો અને પડકારો રજૂ કર્યા હતા. કૉમોડિટી બજારોનું સરેરાશ દૈનિક ટર્નઓવર ફેબ્રુઆરીથી માર્ચ, 2021 દરમિયાન 27 ટકા ઘટ્યું છે. ઈક્વિટી બજારોનું દૈનિક સરેરાશ ટર્નઓવર 19 ટકા ઘટ્યું છે. ઈક્વિટી વાયદાનાં વોલ્યુમ્સ 14 ટકા ઘટ્યાં છે. 
સીપીએઆઈના પ્રેસિડેન્ટ નરિન્દર વાધવાએ જણાવ્યું કે હાલના મહામારીના સમયે કેન્દ્ર સરકાર પ્રોડક્શન-લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) જેવી યોજનાઓ દ્વારા ઉદ્યોગોને સપોર્ટ કરી રહી છે, ત્યારે કૉમોડિટી બજારના પાર્ટિસિપન્ટ્સે પણ નાણાં મંત્રાલય પાસે બજારનું ઉંડાણ અને તરલતા વધારવા પોલિસી સપોર્ટ માગ્યો છે, જેથી ભારત કૉમોડિટીઝના બજારમાં ભાવ નિર્ધારક તરીકે ઉભરી શકે. વાધવાએ ઉમેર્યું કે જો નાણાં મંત્રાલય તેમનાં સૂચનોનો અમલ કરશે તો કૉમોડિટી બજારોમાં હાજિંગનો ખર્ચ ઘટશે અને વેપાર કરવાનું વધુ સુગમ બનશે. 
ઍસોસિયેશને રજૂ કરેલા ત્રણ મુખ્ય મુદ્દાઓમાં નિર્ધારિત કેન્દ્રો ઉપર માલની ડિલિવરી કે પ્રાપ્તિ સમયે વેપારીઓને ઝેલવી પડતી મુસીબતો નિવારવા આઈજીએસટી ઍક્ટમાં સુધારો કરવો, બજારનું ઊંડાણ અને ટર્નઓવર જાળવી રાખવા માર્જિનની ટોચમર્યાદા તર્કસંગત બનાવવી અને ટ્રાન્ઝેક્શનના ખર્ચને તર્કસંગત બનાવવા માટેનાં સૂચનો સામેલ છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer