મોરબી સિરામિક ઉદ્યોગમાં આ વર્ષે રૂ સાત હજાર કરોડનું રોકાણ થશે

મોરબી સિરામિક ઉદ્યોગમાં આ વર્ષે રૂ સાત હજાર કરોડનું રોકાણ થશે
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 4 : એક તરફ ચીનના વેપાર કરવાના વલણ સામે દુનિયાભરના દેશોમાં છૂપો વિરોધ છે અને બીજી તરફ મોરબીના સિરામિક ઉત્પાદકોએ ચીનને આ ધંધામાં તમામ મોરચે પછડાટ આપી હોવાથી ઉદ્યોગ લોકડાઉન પછી તુરંત બેઠો થઇને દોડવા લાગ્યો હતો. જોકે સિરામિક ઉદ્યોગનું ભાવિ ખૂબ સારું દેખાઇ રહ્યું હોવાથી આ ક્ષેત્રમાં નવા નવા સાહસિકો આવતા જાય છે. મોરબીમાં આવનારા દસેક મહિનામાં 70 જેટલી નવી ફેક્ટરીઓ આવી રહી છે. આ તમામમાં ફક્ત રૂા. 100 કરોડનું સરેરાશ રોકાણ ગણવામાં આવે તો પણ આશરે 7 હજાર કરોડનું રોકાણ મોરબીમાં આવશે. 
અંદાજપત્રમાં સરકારે મોરબીને નવી જીઆઇડીસી ફાળવી છે અને મોરબીને જોડતા રસ્તાઓનું કામકાજ પણ હવે ઝડપભેર થઇ જતાં ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ રચાશે એમ ઉત્પાદકોએ કહ્યું હતું. 
સિરામિકના અગ્રણી ઉત્પાદક કે.જી. કુંડારીયા કહે છે મોરબીમાં જંગી રોકાણ આવે તે ખૂબ સારી બાબત છે. 70 જેટલાં યુનિટો દસથી બાર મહિનામાં શરૂ થઇ જશે. કોઇ યુનિટમાં બાંઘકામ અને અન્ય માળખું તૈયાર થઇ રહ્યું છે તો ક્યાંક મશીનરીની ડિલિવરીમાં વિલંબ થઇ રહ્યો છે. સિરામિક બનાવવાની મશીનરી ચીનથી મગાવવામાં આવે છે પણ ત્યાંથી ડિલિવરી કન્ટેઇનરના વાંકે મોડી મળી રહી છે. જોકે ફેક્ટરીઓ બહુ ટૂંકાગાળામાં શરૂ થઇ જશે. 
મોરબીમાં નવા પ્લાન્ટ આવવાનું કારણ મોટું છે. કારણકે દુનિયાભરમાં ડિઝાઇન-ગુણવત્તા-રેન્જ અને સાઇઝમાં મોરબીનો જોટો જડે તેમ નથી. વળી ઉત્પાદકોને રાજસ્થાનથી વિવિધ પ્રકારની માટી પણ સરળતાથી જોઇએ તેટલા પ્રમાણમાં મળે એમ છે. ઉત્પાદનમાં વપરાતો કાચો માલ અને આખી ચેઇન માટે મોરબી ક્લસ્ટર જેવું બની ગયું છે એટલે હવે કોઇ દેશ હંફાવી શકે એવી સ્થિતિમાં નથી એમ કુંડારીયા કહે છે. 
કોરોનાના આરંભે ગયા વર્ષે ફેક્ટરીઓ બે મહિના બંધ રહી હતી. પરંતુ શરૂઆત કરવામાં આવી ત્યારથી કોઇ યુનિટો પાસે ઓછું કામકાજ હોય એવું બન્યું નથી. પૂર્ણ ઉત્પાદન ક્ષમતાએ બધાં યુનિટો કામકાજ કરી રહ્યાં છે. મોરબીમાં સિરામિકના આશરે 800 જેટલાં યુનિટો છે. 
મોરબીએ છેલ્લા દાયકામાં નિકાસક્ષેત્રે જબરું વર્ચસ્વ બનાવી લીધું છે. લોકડાઉનના બે મહિના ઉત્પાદન વિનાના ગયા એમ છતાં આ વર્ષે માર્ચ સુધીની નિકાસ આશરે રૂા. 12 હજાર કરોડ સુધી પહોંચી ગઇ હોવાનો અંદાજ છે. પાછલા વર્ષે નિકાસ આ આંકડે રહી હતી. બે મહિના ફેઇલ ગયા છે અન્યથા નિકાસ હજુ બે હજાર કરોડ ઊંચે જઇ શકી હોત એમ અગ્રણીઓ કહે છે. મોરબીમાંથી કુલ 180 જેટલા દેશોમાં સિરામિક પ્રોડક્ટસની નિકાસ કરવામાં આવે છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer