કાંગારુઓની પુરુષ ટીમથી આગળ થઈ: આજની મેચમાં કિવિઝ મહિલા ટીમને હાર આપી
માઉન્ટ માનુગઇ (ન્યુઝિલેન્ડ), તા.4: વન ડે ક્રિકેટમાં સતત 22 વિજય હાંસલ કરવાનો ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરાક્રમ કોઈ દેશની પુરુષ ક્રિકેટ ટીમ પણ કરી શકી નથી. આજે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પહેલા વન ડેમાં ન્યુઝિલેન્ડ સામે 6 વિકેટે જીત મેળવીને આ વિક્રમ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે રીકિ પોન્ટિંગના નેતૃત્વ તળેની તેના જ દેશની પુરુષ ક્રિકેટ ટીમનો સતત 21 વન ડે મેચ જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા વન ડે ટીમે છેલ્લે ઓકટોબર 2017માં વન ડેમાં હાર સહન કરી હતી. આ પછી તેનો વિજયરથ સતત આગળ ઘપી રહ્યો છે. ઓસિ. મહિલા ટીમના વિજય અભિયાનનો પ્રારંભ 12 માર્ચ 2018થી ભારતીય મહિલા ટીમ વિરુદ્ધ 3-0ના શ્રેણી વિજયથી શરૂ થયો હતો. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્ષ 2003માં સતત 21 વન ડેમાં જીત નોંધાવી હતી. ભારતીય મહિલા ટીમે 2016-17માં સતત 16 વન ડેમાં જીત મેળવી છે અને આ સૂચિમાં ચોથા નંબર પર સંયુક્ત રીતે છે.
આજના મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 213 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જે ઓસિ. મહિલા ટીમે માત્ર 39 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 21પ રન કરીને શાનદાર વિક્રમી જીત મેળવી હતી. એલિસા હિલીએ સૌથી વધુ 6પ રન 68 દડામાં કર્યા હતા જ્યારે કેપ્ટન મેગ લેનિંગે અણનમ પ9 રન કર્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ કાંગારુ બોલર મેગન શટે 32 રનમાં 4 વિકેટ લીધી હતી. નિકોલ કેરીને 3 વિકેટ મળી હતી.
ન્યુઝિલેન્ડ તરફથી લોરેન ડાઉને 90 રનની ઇનિંગ રમી હતી જ્યારે અમિલિયા કેરે 33 અને સુકાની એમી સેથરવેટે 32 રન કર્યા હતા.
Published on: Mon, 05 Apr 2021
અૉસ્ટ્રેલિયાની મહિલા ટીમનો સતત બાવીસ વન-ડે જીતવાનો વિશ્વ વિક્રમ
