મુંબઇની મૅચો માટે ઇન્દોર, લખનઉ અને હૈદરાબાદ સ્ટેન્ડ બાયમાં

મુંબઇની મૅચો માટે ઇન્દોર, લખનઉ અને હૈદરાબાદ સ્ટેન્ડ બાયમાં
આઇપીએલ પર કોરોનાનો ખતરો
નવી દિલ્હી, તા.4: દેશમાં સતત વધી રહેલા કોરોના મહામારીના કેસને લીધે આઇપીએલની તા.9 એપ્રિલથી શરૂ થઇ રહેલી 14મી સિઝન પર ખતરો મંડરાયો છે. ખાસ કરીને મુંબઇની હાલત વધુ ખરાબ છે. આથી મુંબઇમાં આઇપીએલના મેચો રમાશે કે નહીં, તેના પર સવાલ ઉભા થયા છે. જો કે બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાનું માનવું છે કે આઈપીએલ સમયસર અને નિયત કાર્યક્રમ અનુસાર જ યોજાશે. જો કે તેમણે એ વાત સ્વીકારી હતી કે આ સિઝનમાં પણ દર્શકોને સ્ટેડિયમમાં લગભગ પ્રવેશ મળશે નહીં. બીસીસીઆઇએ આઇપીએલનું ટાઇમ ટેબલ જાહેર કરતી વખતે પ્રથમ તબક્કાના મેચો દર્શકો વિના રમાશે તેવું જાહેર કર્યું હતું.
રાજીવ શુકલા કહે છે કે આઇપીએલને લઇને અમે તમામ ચુસ્ત પગલાં લઇ રહ્યા છીએ. મુંબઇમાં વધતા કોરોના કેસને ધ્યાને રાખીને બીસીસીઆઇએ પહેલેથી જ લખનૌ, ઇન્દોર અને હૈદરાબાદને આયોજન સ્થળ તરીકે સ્ટેન્ડ બાયમાં રાખ્યા છે. હજુ સુધી મુંબઇના મેચો સ્થળાંતરિત કરવાનો કોઇ નિર્ણય લીધો નથી.
બીજી તરફ હૈદરાબાદ ક્રિકેટ એસો.ના પ્રમુખ અને પૂર્વ નેશનલ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદીને બીસીસીઆઇને મુંબઇના મેચ હૈદરાબાદના સ્ટેડિયમમાં આયોજિત કરવાની ઓફર કરી છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer