લોકલ ટ્રેનો કડક નિયંત્રણ સાથે ચાલુ રહેશે
મુંબઈ, તા. 4 : સરકારની મિની લૉકડાઉનની જાહેરાત મુજબ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સર્વિસ વિશેષ નિયંત્રણો સાથે (બેઠક ક્ષમતા જેટલાં જ પ્રવાસી સાથે) ચાલુ રહેશે ઉપરાંત રિક્ષા, બસ અને ટૅક્સી જેવી પરિવહન સર્વિસ પણ અગાઉની જેમ નિયંત્રણો સાથે ચાલુ રહેશે. બેસ્ટની બસોમાં બેઠક ક્ષમતાથી વધુ પ્રવાસી ચડી નહીં શકે. રિક્ષામાં બે પ્રવાસી અને ટૅક્સીમાં ત્રણ પ્રવાસી જ બેસી શકશે.
હોટેલ-બાર બંધ
હોટેલો અને બાર પણ બંધ રહેશે. જ્યાં રહેવાની વ્યવસ્થા ધરાવતી હોટેલમાં ઉપહારગૃહ મહેમાનો માટે ખુલ્લું રાખી શકાશે. તેમાં બહારના ગ્રાહકોને પ્રવેશ આપી નહીં શકાય. માત્ર ટેક અવે પાર્સલ
સેવા સવારે સાતથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
ફેરિયા માત્ર પાર્સલ સેવા ચાલુ રાખી શકશે
રસ્તા ઉપર ખાદ્યપદાર્થો વેચતા ફેરિયા સવારે સાતથી રાત્રે આઠ વાગ્યા સુધી પાર્સલ સેવા માટે વ્યવસાય ચાલુ રાખી શકશે. પાર્સલની રાહ જોતા ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાનું રહેશે.
ઇ-કૉમર્સ ચાલુ પણ સલૂન બંધ
ઇ-કૉમર્સ સેવા સવારે સાતથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી કરનારા કર્મચારીઓનું રસી અપાઈ હોય એ આવશ્યક છે. અન્યથા તે વ્યક્તિને 1000 રૂપિયા અને સંબંધિત દુકાન અથવા પેઢીને 10,000 રૂપિયા દંડ થશે. બધી હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર અને સ્પા બંધ રહેશે.
અખબારોનું છાપકામ અને વિતરણ યથાવત્
અખબારોનું છાપકામ અને વિતરણ હંમશની જેમ ચાલુ રહેશે જોકે, અખબારો વેચતા ફેરિયાએ રસી લઈ લેવી.
દશમા/બારમાની પરીક્ષા યથાવત્ પણ શિક્ષણ સંસ્થાઓ બંધ
આજે બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર શાળા અને કૉલેજો બંધ રહેશે. બધા ખાનગી કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે. જોકે દસમા અને બારમા ધોરણની પરીક્ષા યોજાશે.
ઉદ્યોગ-ઉત્પાદન ક્ષેત્ર ચાલુ રહેશે
ઉદ્યોગ-ઉત્પાદન ક્ષેત્રને આરોગ્યના નિયમોનું પાલન કરીને ચાલુ રાખી શકાશે. તે નિયમોનું પાલન થાય તે જોવાની જવાબદારી વ્યવસ્થાપનોએ લેવાની રહેશે.
ભીડ ન હોય એવા સ્થળોએ જ શૂટિંગ કરી શકાશે. જોકે, શૂટિંગમાં કામ કરતાં બધા કર્મચારીઓનો આરટીપીસીઆર તપાસ આવશ્યક છે. આ નિયમનો અમલ દસમી એપ્રિલથી શરૂ થશે.
બીમાર કામદારને છૂટો કરી નહીં શકાય
બાંધકામ ચાલુ હોય એવા સ્થળોએ મજૂરોએ રહેવું જરૂરી હોય છે. ફક્ત વિવિધ સામગ્રીની હેરફેરની છૂટ અપાશે. કોઈ પણ મજૂરને કોરોના થયો એ એક માત્ર કારણસર છૂટો કરી શકાશે નહીં. તેને બીમારીની રજાનો પૂર્ણ પગાર આપવો પડશે. મજૂરોના આરોગ્યની તપાસની જવાબદારી કૉન્ટ્રેક્ટરની રહેશે.
...તો હાઉસિંગ સોસાયટી મિની કન્ટેનમેન્ટ
કોરોનાના પાંચ કરતાં વધારે દરદીઓ એક સોસાયટીમાં મળી આવશે તો તે ઇમારતને મિની કન્ટેનમેન્ટ જાહેર કરાશે. ત્યાં તે મતલબનું પાટિયું લગાડવામાં આવશે. તેમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
હવે પછી આ અંગેના આદેશોને `િમશન બીગિન્સ'ને બદલે `બ્રેક ધ ચેન' એમ સંબોધવામાં આવશે. ઉપરાંત કૃષિવિષયક કામો, તેમજ અનાજ અને કૃષિપેદાશોની હેરફેરનું કામ અગાઉની જેમ ચાલુ રહેશે.
Published on: Mon, 05 Apr 2021