મૃત્યુદર ઓછો હોવાથી લોકોમાં બેદરકારી : નિષ્ણાતો

મુંબઈ, તા. 4 : મહાનગરમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસમાં ચારગણો વધારો થયો હોવા છતાં મૃત્યુદર એક ટકા જેટલો જ છે. મુંબઈગરા માટે આ બાબત આશાના કિરણ સમાન છે. જોકે ડૉક્ટર્સનું માનવું છે કે લોકો કોવિડ-19 અંગેના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાથી કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. 
કોવિડ-19ના કેસમાં જ ચારગણો વધારો થયો હોવા છતાં મૃત્યુ દર એક ટકા જેટલો જ રહ્યો છે. ગયા મહિનાની સરખામણીએ આગલા મહિનાની સરખામણીએ માર્ચમાં મૃત્યુ દરમાં 91 ટકા જેટલો વધારો જોવા મળ્યો. ફેબ્રુઆરીમાં કોવિડને કારણે કુલ 111 જણ મૃત્યુ પામ્યા હતા. એ માર્ચ મહિનામાં વધીને 212 પર પહોંચ્યો હતો. 
જોકે ડૉક્ટર્સનું માનવું છે કે મૃત્યુદર ઓછો હોવાથી લોકો લાપરવાહ બન્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો અને નિયમીત રીતે હાથ ધોવા જેવી બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. 
જેમકે, ગુરુવારે શહેરમાં 8646 જેટલા કોવિડ-19ના કેસ નોંધાયા હતા. પરંતુએ સમયગાળા દરમિયાન માત્ર 18 જણ મૃત્યુ પામ્યા. 31 માર્ચે 5394 કેસ નોંધાયા એની સામે 15 સંક્રમિતો મૃત્યુ પામ્યા હતા. 
બીજી લહેરમાં મૃત્યુદર નિયંત્રણમાં છે. પરંતુ લોકોએ એને સહજતાથી લેવો જોઇએ નહીં. સંક્રમિતોની સંખ્યામાં એટલો વધારો થઈ રહ્યો છે કે હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી. સારવારમાં વિલંબ થવાને કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે, એમ કોવિડ-ડેથ કમિટીના ઇન-ચાર્જ ડૉ. અવિનાશ સુપેએ જણાવ્યું હતું. 
માર્ચની પહેલી તારીખે માત્ર 9690 ઍક્ટિવ કેસ હતા જે વધીને 51,000 જેટલા થઈ ગયા. સંક્રમિત થયેલા દરદીઓમાંથી ઓછામાં ઓછા 10-15 ટકા લોકોને હોસ્પિટલમાં સારવાર આપવી આવશ્યક હોય છે, ઇન્ટેન્સિવ કેર યુનિટના 80 ટકા બેડ ભરાયેલા છે. જાહેર આરોગ્ય સેવાના નિષ્ણાતોનું માનવું છે કે જો કેસમાં આ રીતે વધારો થતો રહ્યો તો ટૂંક સમયમાં શહેરમાં બેડની અછત વર્તાશે. 
સાવચેતીના પગલાં તરીકે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ વૉર્ડ અૉફિસરો અને હોસ્પિટલ્સને સૂચના આપી છે કે એનાલિસીસ માટે તમામ મૃત્યુ પામનાર દરદીની નોંધ રાખે. 
જૂન મહિનામાં મૃત્યુ દર જ્યારે પાંચ ટકા હતો ત્યારે અમે મિશન સેવ લાઇફ અભિયાન શરૂ કર્યું હતું. હવે ફરી એ માર્ગદર્શિકા ફરી અમલમાં મુકવામાં આવી છે. અમે હોસ્પિટલ્સને જણાવ્યું છે કે મૃતક દરદીને ક્યારે કોરોના હોવાની જાણ થઈ, હોસ્પિટલમાં દાખલ થવામાં કેટલો સમય લાગ્યો, કઈ દવાઓ અપાઈ હતી જેવી તમામ બાબતો નોંધવા જણાવ્યું છે, એમ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. જો મૃત્યુદરમાં વધારો થશે તો એની પાછળ ક્યા કારણો છે એ જાણી શકાશે અને એ મુજબ નીતિનિયમોમાં ફેરફાર કરી શકાશે. 
જાન્યુઆરીમાં શહેરનો પોઝિટિવિટી દર માત્ર ચાર ટકા હતો, જે વધીને 20 ટકાની ઉપર ગયો છે. અમે ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. વધુમાં વધુ લોકોને રસી આપવી, હોસ્પિટલના બેડમાં વધારો કરવો અને શક્ય એટલા ટેસ્ટિંગ કરવા. જોકે લોકોએ પણ જવાબદાર બનવું જોઇએ. હકીકતમાં અમે જેમણે રસી લીધી હોય તેમને પણ સાવચેતીના પગલાં તરીકે માસ્ક પહેરવા જણાવીએ છીએ, એમ પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ અૉફિસર ડૉ. મંગલા ગોમરેએ જણાવ્યું હતું.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer