થિયેટર માલિકોએ પોતાના સંકુલો કોવિડ કૅર સેન્ટર માટે આપવાની તૈયારી દર્શાવી

ઉદ્યોગપતિ અને ફિલ્મ નિર્માતાઓનો સરકારને સહયોગ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે આગેવાન ઉદ્યોગપતિઓ તેમ જ ફિલ્મ નિર્માતાઓને મળીને કોરોનાના ઉપદ્રવને અંકુશમાં લેવાના પગલાં વિશે ચર્ચા કરી હતી અને સહયોગ માગ્યો હતો.
ઠાકરેએ આજે બપોરે હિન્દી અને મરાઠી ફિલ્મોના નિર્માતાઓ સાથે અૉનલાઇન ચર્ચા કરીને તેઓ પાસે સૂચનો માગ્યા હતા અને સહયોગ માગ્યો હતો.
આગેવાન ઉદ્યોગપતિઓએ મુખ્ય પ્રધાનને ચેતવણી આપી હતી કે મહારાષ્ટ્રમાં લૉકડાઉન લાદવામાં આવશે તો લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડશે. આ બેઠકમાં ઉદ્યોગપતિઓની સંસ્થા - કૉન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ઇન્ડટ્રીસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય કોટકએ ઉદ્યોગપતિઓનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં ભાગ લેનારા ઉદ્યોગપતિઓમાં બાબા કલ્યાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના નિખિલ મેસ્વાણી, સજ્જન જિંદાલ, સંજીવ બજાજ તેમ જ અગ્રણી ડેવલપરો બોમન ઇરાની અને નિરંજન હીરાનંદાની ઉપસ્થિત રહ્યા હતા.
સિનેમા અૉનર્સ ઍન્ડ એક્ઝિબિટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાના પ્રમુખ નીતિન દાતારએ જણાવ્યું હતું કે જો સરકાર ઇચ્છે તો બંધ પડેલા સિંગલ ક્રીન થિયેટરના માલિકો પોતાની જગ્યા કોવિડ કૅર સેન્ટર બાંધવા માટે આપી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા જૂથના વડા આનંદ મહિન્દ્રાએ લૉકડાઉનને કારણે સામાન્ય નાગરિકોને મોટી મુશ્કેલી વેઠવી પડશે એવો મત વ્યક્ત કર્યો હતો બાદમાં ગત શુક્રવારે મુખ્ય પ્રધાન ઠાકરેએ આનંદ મહિન્દ્રાનું નામ લીધા વિના જણાવ્યું હતું કે અમે તબીબી સેવા માટેની માળખાકીય સગવડો ઊભી કરી રહ્યા છીએ. આમ છતાં તબીબો અને તેઓને મદદ કરે એવા માનવબળની પણ અમને જરૂર પડશે. તેથી ઉદ્યોગપતિએ અમને દરરોજ 50 તબીબો, નર્સો અને સહાયક આરોગ્ય કર્મચારીઓ મેળવી આપવામાં મદદ કરવી જોઈએ.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer