સંક્રમણમાં અમેરિકાને આંબી ગયું ભારત : રવિવારે 93 હજારથી વધુ દરદી નોંધાયા

નવી દિલ્હી, તા. 4 : વિશ્વભરને ભરડામાં લેનાર કોરોના મહામારીનો અંત કયારે, તેવા પ્રશ્નનો જવાબ મળવો હવે દિવસો દિવસ વધી  રહેલાં સંક્રમણથી મુશ્કેલ થતો જઇ રહ્યો છે. દેશની સરકારનાય શ્વાસ અધ્ધર કરી નાખતાં રવિવારે 19મી સપ્ટેમ્બર બાદ સૌથી વધુ 93249 નવા કેસ નોંધાયા હતા. ભારત દર્દીઓના આંકમાં અમેરિકાનેય આંબી ગયું છે. ભારતમાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા 1.24 કરોડને પાર કરી, 1 કરોડ 24 લાખ, 85,509 પર પહોંચી ગઇ છે. છેલ્લા ત્રણ દિવસમાં બે લાખ, 63 હજારથી વધારે નવા કેસના ઉમેરોએ ઉચાટ વધાર્યો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 277 સહિત દેશભરમાં રવિવારે વધુ 513 સંક્રમિતોને કોરોનાએ કાળનાં મુખમાં ધકેલી દેતાં કુલ્લ 1,64,623 સંક્રમિતો જીવ ખોઇ ચૂકયા છે.
છેલ્લા 20 દિવસમાં સાડા પાંચ લાખથી વધુ એટલે કે, 5,55,671 સક્રિય કેસો વધ્યા છે. આજે 32,688 કેસોનો ઉછાળો થતાં કુલ્લ 6,91,597 સંક્રમિતો સારવાર હેઠળ છે.
છેલ્લા 25 દિવસથી લગાતાર જારી વધારાના પગલે સવા ચાર ટકાનો વધારો માત્ર 20 દિવસમાં આવતાં કુલ્લ દર્દી સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 5.54 ટકા થઇ ગયું છે.
દેશના વિવિધ ભાગોમાં આજે 60,048 દર્દીના સંક્રમણના સકંજામાંથી છુટકારાનાં પગલે સાજા દર્દીઓનો આંક 1.16 કરોડને આંબી 1 કરોડ, 16 લાખ, 29,289 પર પહોંચ્યો છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત મળીને દેશનાં માત્ર આઠ રાજ્યોમાંથી આજે 80.96 ટકા નવા કેસ સામે આવ્યા હતા.
સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ દરરોજ વધતી જઇ રહી છે. તેમ છતાં નવા કેસોની સંખ્યામાં દિવસો દિવસ વધારાનાં પગલે રિકવરી રેટ ઘટીને 93.14 ટકા થઇ ગયો છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ્લ 24 કરોડ, 81 લાખ, 25,908 ટેસ્ટ થઇ ચૂકયા છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer