છત્તીસગઢમાં નક્સલવાદીઓના હુમલામાં શહીદ જવાનોની સંખ્યા 24 થઈ

અમિત શાહ આસામનો પ્રવાસ ટૂંકાવી દિલ્હી પાછા ફર્યા
પ્રમોદ મુઝુમદાર તરફથી
રાયપુર, તા. 4 : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલાના કાયર કૃત્યથી સુરક્ષાદળોને ગંભીર નુકસાન થયું છે. આ હિંસામાં કુલ 24 જવાન શહીદ થઈ ચૂકયા છે. નક્સલવાદીઓએ ગઈકાલે શનિવારે 700થી વધુ જવાનોના કાફલા પર નિશાન સાધતાં હુમલો કર્યા બાદ પાંચ કલાક સુધી ચાલેલા ભીષણ ઘર્ષણના અંતે ત્રણ નકસલી પણ ઠાર મરાયા હતા.
નક્સલીઓએ બે ડઝનથી વધુ જવાનોના હથિયાર પણ છીનવી લીધા હતા. સુરક્ષાદળોએ રવિવાર સવારથી લાપતા જવાનોની તલાશ માટે અભિયાન છેડયું હતું.
ગૃહપ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલ સાથે ફોન પર વાત કરીને હિંસામાં જવાનોની શહીદી પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
અમિત શાહ આસામમાં પોતાના ચૂંટણીપ્રચાર અભિયાનને અધવચ્ચે છોડીને દિલ્હી પાછા ફર્યા હોવાનું આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સહ-પ્રભારી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. બસ્તરના ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજના જણાવ્યા મુજબ નક્સલવાદીઓ હજુ પણ ત્યાં મોજૂદ હોવાની શંકા છે.
સુરક્ષાદળોને જોનાગુડાના પહાડોમાં નકસલવાદીઓ છુપાઈ બેઠા હોવાની બાતમી મળતાં બે હજાર જવાનોને નકસલવાદ વિરોધી અભિયાન હેઠળ રવાના કરાયા હતા.
આ ઘર્ષણ દરમિયાન નક્સલવાદીઓને પણ મોટું નુકસાન થયું હોવાના વાવડ મળી રહ્યા છે.
જોકે, હજુ નકસલીઓના મરણાંકમાં વધારાના સંબંધમાં કોઈ સ્પષ્ટ આંકડા કે વિગતો મળી શકી નહોતી.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer