મહારાષ્ટ્રમાં િમની લૉકડાઉન : દિવસમાં જમાવબંધી, રાત્રે સંચારબંધી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : કોરોનાના ઉપદ્રવની સ્થિતિ વણસી રહી હોવાથી મહારાષ્ટ્રના પ્રધાનમંડળની બેઠકમાં આજે પાંચમી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી રાજ્યભરમાં આકરાં નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિપક્ષો સહિત નાગરિકોને આકરાં નિયંત્રણોના અમલમાં સહકાર આપવાનો અનુરોધ કર્યો છે.
મહાવિકાસ આઘાડી સરકારે દિવસે જમાવબંધી અને રાત્રે સંચારબંધી લાદવાનો નિર્ણય લીધો છે. મનોરંજન ક્ષેત્ર, ધર્મસ્થળ, હોટેલ, બાર, સલૂન અને શાળા-કૉલેજો બંધ રહેશે. જ્યારે બધા પ્રકારનાં વાહનો, નાણાકીય સેવા સિવાયની અન્ય ખાનગી કચેરીઓ, હોટેલ-રેસ્ટોરાંની પાર્સલ સેવા, ઇ-કૉમર્સ, અખબારો તેમજ ઉદ્યોગ ઉત્પાદન ક્ષેત્ર ચાલુ રહેશે. રાજ્ય સરકાર રાત્રે સંચારબંધી અને દિવસે જમાવબંધી કરશે.
રાત્રે સંચારબંધી, દિવસે જમાવબંધી
આખા મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ પડાશે. સવારે સાતથી રાત્રે આઠ વાગ્યા સુધી પાંચ કે તેથી વધુ લોકો એકઠાં નહીં થઈ શકે. રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ યોગ્ય કારણ સિવાય ઘરની બહાર નીકળી નહીં શકે. જોકે, તેમાંથી આરોગ્ય અને અન્ય અતિઆવશ્યક સેવાઓને બાકાત રખાઈ છે. બાગ, ચોપાટી, સમુદ્રકાંઠા અને અન્ય જાહેરસ્થળો રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી પૂર્ણપણે બંધ રહેશે. આ સ્થળે જો દિવસે ભીડ થાય તો વહીવટી તંત્ર તે જગ્યા બંધ કરાવશે.
માત્ર આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો બંધ
કરિયાણા, દવા, શાકભાજી અને જીવનજરૂરી ચીજો સિવાયની બધી દુકાનો, મૉલ્સ અને બજારો 30મી એપ્રિલ સુધી બંધ રહેશે.
બધાં વાહનો નિયમિતપણે દોડશે
સાર્વજનિક અને ખાનગી વાહનવ્યવહાર સેવા નિયમિત રીતે ચાલુ રહેશે. રિક્ષામાં ડ્રાઇવર અને બે પ્રવાસી તેમ જ ટૅક્સીમાં ડ્રાઇવર અને નિશ્ચિત કરેલા પ્રવાસીઓથી 50 ટકા પ્રવાસી પ્રવાસ કરી શકશે. સાર્વજનિક અને ખાનગી બસમાં પ્રવાસીઓ ઊભા રહીને પ્રવાસ કરી નહીં શકે. બેઠકો ઉપર બેસેલા પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત છે. બસના ડ્રાઇવર અને કંડક્ટરે રસી મૂકાવી લેવી અથવા કોરોના નેગેટિવનું પ્રમાણપત્ર સાથે રાખવું. બહાર ગામ જનારી ટ્રેનોના જનરલ ડબામાં પ્રવાસી ઊભા રહીને પ્રવાસ કરે નહીં અને માસ્ક પહેરે નહીં તેની તકેદારી રેલવે તંત્રએ લેવાની રહેશે.
નાણાકીય સેવા સિવાયની બધી કચેરીઓ બંધ
બૅન્કો, સ્ટૉક માર્કેટ, વીમા, દવા, મેડિક્લેમ, સંદેશવ્યવહાર જેવી નાણાકીય સેવા આપનારી તેમ જ સ્થાનિક આફત વ્યવસ્થાપન, વીજળી અને પાણી પુરવઠો જેવી કચેરીઓ ચાલુ રહેશે. જ્યારે ખાનગી કચેરીઓએ ફરજિયાત પૂર્ણપણે વર્ક ફ્રૉમ હોમ કરવાનું રહેશે.
સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરી
જે સરકારી કચેરીઓના જે ખાતા કે વિભાગો કોરોના સાથે સંબંધિત નથી ત્યાં કર્મચારીઓની હાજરી ફક્ત 50 ટકા જ રાખવાની રહેશે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓને પ્રવેશબંધી હશે. જેઓ માટે પ્રવેશ જરૂરી હોય તેઓ માટે વિભાગ કે કચેરીના પ્રમુખ દ્વારા અપાયેલો પ્રવેશ પાસ જરૂરી રહેશે. કચેરીની બેઠકો અૉનલાઇન યોજાશે.
ધર્મસ્થળો, થિયેટરો-નાટયગૃહો બંધ
બધાં ધર્મોના પ્રાર્થના સ્થળો-મંદિર, દેરાસર અને મસ્જિદ બંધ રહેશે. તેમાં ભાવિકો દર્શન કે પૂજા કરવા જઈ નહીં શકે. તેમાં કામ કરતાં પૂજારી કે કર્મચારીઓ, દરરોજ પૂજા માટે પ્રવેશ કરી શકશે. સિનેમાગૃહો, મલ્ટિપ્લેક્સ, નાટયગૃહ, વીડિયો પાર્લર, ક્લબ્સ, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, સભાગૃહ અને વૉટર પાર્ક્સ પૂર્ણપણે બંધ રાખવાના રહેશે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer