પીઢ ચરિત્ર અભિનેત્રી શશિકલાનું નિધન

પીઢ ચરિત્ર અભિનેત્રી શશિકલાનું નિધન
મુંબઈ, તા. 4 : વરિષ્ઠ ચરિત્ર અભિનેત્રી શશિકલા ઓમ પ્રકાશ સાયગલનું 88 વર્ષની ઉંમરે આજે નિધન થયું છે. તેમને 2007માં પદ્મશ્રી સન્માન મળ્યું હતું. મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા શશિકલાએ નાની ઉંમરથી બોલિવુડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. 4 ઓગસ્ટ, 1932માં મહારાષ્ટ્રનાં સોલાપુરમાં જન્મેલા શશિકલા નાનપણથી જ દેખાવમાં સુંદર હતાં. સોલાપુરમાં તેમના પિતા પાસે પૈસા નહોતા. તેઓ એમ વિચારીને મુંબઈ આવ્યા કે અહિંયા શશિકલાનેં કંઈક કામ મળી જશે. આ સમયે શશિકલાની ઉંમર 11 વર્ષની હતી. મુંબઈ આવ્યા બાદ શશિકલાએ એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોના ચક્કર કાપવાના શરૂ કર્યા હતા.
મુંબઈમાં શશિકલાએ ઘણો જ સંઘર્ષ કર્યો, પરંતુ કામ મળ્યું નહીં. અંતે તેમણે લોકોનાં ઘરે નોકરાણીને બનીને કામ કરવાની શરૂઆત કરી હતી. આ જ રીતે એકવાર તેઓ એકટ્રેસ તથા સિંગર નૂરજહાંને મળ્યા હતાં. નૂરજહાંને શશિકલાની સુંદરતા ગમી અને તેમણે તેમના પતિને કહીને શશિકલાને એક ફિલ્મમાં કામ અપાવ્યું હતું. શશિકલાને 13 વર્ષની ઉંમરમાં 1945માં ફિલ્મ `િઝન્નત' સફર શરૂ કરી હતી. આ ફિલ્મ માટે તેમને 25 રૂપિયા મળ્યા હતાં.
શશિકલાએ ઓમ પ્રકાશ સાયગલ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ શશિકલાએ બે પુત્રીઓને જન્મ આપ્યો હતો જો કે, થોડા સમય બાદ શશિકલા તથા તેમનાં પતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યાં હતાં તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. શશિકલાએ પોતાની કરિયરમાં 100થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જેમાં તીન બત્તી ચાર રાસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નિલકમલ, અનુપમા, `રોકી', સૌતન, અર્જુન, ઘર ઘરકી કહાની, બાદશાહ,  કભી ખુશી કભી ગમ, ચોરી ચોરી, મુઝસે શાદી કરોંગી, રકત જેવી ફિલ્મ છે. છેલ્લે 2005માં `પદ્મશ્રી લાલુપ્રસાદ યાદવ'માં જોવા મળ્યા હતાં.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer