મહામારીએ મૂળજી જેઠા માર્કેટનો બિઝનેસ ખોરવી નાખ્યો

મહામારીએ મૂળજી જેઠા માર્કેટનો બિઝનેસ ખોરવી નાખ્યો
મુંબઈ, તા. 4 : કાલબાદેવીસ્થિત દેશની સૌથી વિશાળ મૂળજી જેઠા (કાપડ) માર્કેટના વેપારીઓ અસ્વસ્થાતા અનુભવી રહ્યા છે. આ ઐતિહાસિક માર્કેટના જૂની સ્ટાઇલથી ધંધો કરતા વેપારીઓ કોરોના મહામારી દરમિયાન અમલમાં આવેલા લૉકડાઉન બાદ અનલૉક પ્રક્રિયા દરમિયાન બજારો ખોલવાની પરવાનગી અપાયા બાદ વેપારીઓ આર્થિક મંદીમાંથી બહાર નીકળવાના પ્રયાસો કરી રહ્યા હતા ત્યાં કોરોનાની બીજી લહેરે બિઝનેસને ફરી ફટકો માર્યો છે. 
187 વરસ જૂની દેશની સૌથી મોટી ટેક્સ્ટાઇલ માર્કેટ, જ્યાંથી ટેક્સ્ટાઇલ ટાયકૂન ધીરુભાઈ અંબાણીએ યાર્નના વેપારી તરીકે કામકાજની શરૂઆત કરી હતી. મૂળજી જેઠા માર્કેટથી ચુડીદાર અને સૂટ મટિરિયલ, ડિઝાઇનર સાડી, લિનન અને બ્લેન્કેટ વિવિધ રાજ્યોના સ્ટોર્સમાં પહોંચાડાય છે. અહીં ગાદલાં-તકિયા પર પલાંઠીવાળી બેઠેલા વેપારીઓ લાખો રૂપિયાના સોદા કરતા હોય છે. માર્ચ મહિનાથી ધંધો 70 ટકા થઈ ગયો છે. અમારા એજન્ટો વિવિધ રાજ્યોની જથ્થાબંધ દુકાનોમાં જવાની મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો હૉલસેલર્સને પણ અહીં આવવામાં તકલીફ પડી રહી છે. આને કારણે વેચાણ પર ઘણી અસર થઈ છે એમ દેશભરમાં રેમન્ડના સૂટના કપડાંની સપ્લાય કરતા બી. મહેશકુમારના વિક્રમ દોશીએ જણાવ્યું હતું. છેલ્લાં 40 વરસમાં સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂક્યા હોય તો આ મહામારીએ, એમ માર્કેટના ચૅરમૅન મુકેશ દેસાઈએ જણાવ્યું હતું.ગયા વરસે બજાર થોડા મહિના બંધ રહી હોવાથી ધંધો પચાસ ટકા જેટલો ઘટી ગયો હતો. તો માર્ચ મહિનાથી 70 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે. 
એટલું જ નહીં, અત્યાર સુધી જે ક્રેડિટ સિસ્ટમ ચાલી રહી હતી એ પણ બદલાઈ ગઈ છે. અગાઉ હૉલસેલર્સને 60 દિવસની ક્રેડિટ અપાતી હતી એ હવે વધારીને પાંચ મહિના કરવી પડી છે. હવે અમારે ધંધો કરવો હોય તો પાંચ મહિના માટેની નાણાકીય જોગવાઈ કરવી પડે છે. હૉલસેલર્સનું કહેવું છે કે તેમનો સ્ટૉક વેચાયા વગરનો પડ્યો રહ્યો હોવાથી બાકી નીકળતી રકમ ચૂકવી શકે એમ નથી, એમ સંઘવીએ જણાવ્યું હતું.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer