ફ્લૅટ માટે 12 વર્ષ રાહ જોવાનું વાજબી નથી

ફ્લૅટ માટે 12 વર્ષ રાહ જોવાનું વાજબી નથી
બિલ્ડરને બાકિંગની રકમ પાછી આપવાનો આદેશ 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)એ એક કેસમાં કહ્યું હતું કે ફ્લૅટ ખરીદદારને ફલૅટ બુક કરાવ્યા પછી એનો કબજો લેવા 12 વર્ષની રાહ જોવી પડે એ ગેરવાજબી છે. મહારેરાએ બીલ્ડરને આ ખરીદદારને બાકિંગની રકમ પાછી આપવાનો આદેશ આપ્યો હતો. 
ફલૅટ ખરીદારે માનસિક હેરાનગતિ માટે વળતરની પણ માગણી મહારેરા સમક્ષ કરી હતી, પણ મહારેરાએ આ માગણીનો ફેંસલો કરવાની સૂચના એના એડજુડિકાટિંગ અૉફિસરને આપી છે. વળતરની રકમ વિશે આ અૉફિસર નિર્ણય લેશે. 
પ્રીતિ સિંહ નામની મહિલાએ અૉગસ્ટ 2014માં અરિહંત એસ્પાયર ફેઝ-વનમાં એક ફ્લૅટ બુક કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ પૂરો થયો નહોતો અને એના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં પ્રોજેક્ટ પૂરો થવાની તારીખ 30 જૂન, 2026 બતાવાઈ હતી. મહારેરાએ કહ્યું હતું કે આનો મતલબ અરજદારે ફ્લૅટ માટે હજી છ વર્ષ રાહ જોવી પડે એમ છે. આ ગેરવાજબી ગાળો છે. આ કેસમાં બાકિંગ 2014માં કરાયું હતું અને એને ફલૅટના કબજા માટે 2026 સુધી રાહ જોવી પડે એમ મહારેરાના મેમ્બર વિજય સતબિર સિંહે 26 માર્ચના તેમના આદેશમાં કહ્યું હતું. 
અરજદાર પ્રીતિ સિંહે જે ફ્લૅટ બુક કરાવ્યો હતો એના ફ્લૅટના કુલ 38 લાખ નક્કી થયા હતા. તેણે સાત લાખ ચેકથી આપ્યા હતા અને પાંચ લાખ રોકડામાં આપવાના હતા. બીલ્ડરે  ડિસેમ્બર 2017માં પઝેશન આપવાનું વચન આપ્યું હતું. જોકે, બીલ્ડરને બિલ્ડિંગનું કામ શરૂ કરવાની મંજૂરી અૉક્ટોબર 2017માં મળી હતી. 
બીલ્ડરના વકીલે એવી દલીલ કરી હતી કે પ્રીતિ સિંહે માત્ર સાત લાખનું પાર્ટ પેમેન્ટ કર્યું હતું અને વારંવાર યાદ કરાવ્યા છતાં બાકીના પૈસાની ચુકવણી કરી નહોતી. અૉક્ટોબર 2020માં તેનું બાકિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. મારા અસીલને પ્રીતિ સિંહ તરફથી રોકડમાં કોઈ રકમ મળી નથી. 
મહારેરાએ એના આદેશમાં કહ્યું હતું કે બીલ્ડરે બાકિંગ કેન્સલ કર્યું હોવા છતાં બાકિંગની રકમ પાછી આપી નહોતી. બાકિંગની રકમ પાછી આપી ન હોવાથી બાકિંગ કેન્સલ થયું ન કહેવાય. એટલે આ કેન્સલેશનને ગેરકાયદે ગણી તેને રદ કરવામાં આવે છે અને અરજદાર હજી આ પ્રોજેક્ટમાં ફ્લૅટનો કબજો લેવા હક્કદાર છે. 
મહારેરાએ કહ્યું હતું કે પ્રીતિ સિંહે તેના બૅન્ક ખાતામાંથી 9 અૉગસ્ટ, 2014ના પાંચ લાખ ઉપાડ્યા હતા અને એ જ દિવસે બીલ્ડરે તેને કાર પાર્કિંગની જગ્યાનો પત્ર પણ આપ્યો હતો. એટલે એવું કહી શકાય કે આ રકમ તેણે બીલ્ડરને જ કાર પાર્કિંગની જગ્યા માટે અધર ચાર્જિસ તરીકે આપી હશે. મહારેરાએ 12 લાખમાંથી દસ ટકા ઍડમિનિસ્ટ્રેટિવ ચાર્જિસ કાપીને બાકીની રકમ એક મહિનામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer