મુંબઈમાં માત્ર નવ ટકા આઈસીયુ બૅડ્સ ખાલી

મુંબઈમાં માત્ર નવ ટકા આઈસીયુ બૅડ્સ ખાલી
પાલિકા કોરોના સેન્ટરોમાં પથારીઓ વધારશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 4 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યમાં જેટલા આઈસીયું બૅડ્સ છે એમાંથી અડધે અડધા ખાલી છે, પણ વાસ્તવમાં મુંબઈને આ વાત લાગુ પડતી નથી. મુંબઈમાં 1800 આઈસીયુ બૅડ્સ છે અને એમાંથી માત્ર 9 ટકા જ ખાલી છે. 
જોકે મુંબઈ પાલિકા અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ કહ્યું હતું કે મુંબઈમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. પાલિકા એના કોવિડ કેર સેન્ટરમાં સામાન્ય અને આઈસીયુ બૅડ્સનો રોજ સતત ઉમેરો કરે છે અને એને લીધે બધું નિયંત્રણ હેઠળ છે. 
બે એપ્રિલના પાલિકાના ડેશબોર્ડ પર એવી માહિતી મૂકવામાં આવી હતી કે એ વખતના 1638 આઈસીયુ બૅડમાંથી 262 એટલે કે 15 ટકા જ ખાલી છે. 24 કલાક બાદ આ આંકડા બદલાઈ ગયા હતા. આઈસીયુના કુલ બૅડની સંખ્યા વધીને  1800ની થઈ ગઈ હતી. 
પાલિકાના ડેશબોર્ડના આંકડા અનુસાર સરકાર અને પાલિકા પાસે જેટલા આઈસીયુ બૅડ્સ છે એ કરતાં ખાનગી હૉસ્પિટલોમાં આઈસીયુ બૅડ્સ વધુ ખાલી છે. ખાનગી હૉસ્પિટલોમાં કુલ 773 આઈસીયુ બૅડ્સ છે અને એમાંથી  માત્ર 81 એટલે કે 10.5 ટકા ખાલી છે. જ્યારે સરકારી હૉસ્પિટલોમાં 1027માંથી માત્ર 87 એટલે કે 8.3 ટકા આઈસીયુ બૅડ્સ ખાલી છે. 
પાલિકાના ડેશબોર્ડના આંકડા અનુસાર આમાંથી અડધે અડધા આઈસીયુ બૅડ્સ વેન્ટિલેટરથી સજ્જ છે. પાલિકાના કોવિડ કેર સેન્ટરોમાં કુલ 1131 વેન્ટિલેટર્સ છે અને એમાંથી માત્ર 8.3 ટકા જ ઉપલબ્ધ છે. 
અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ કહ્યું હતું કે કોરોનાના વધતા જતા કેસને લઈ પાલિકા સતર્ક છે, પણ ભયભીત નથી. અત્યારે અમારી પાસે કુલ ખાટલાની સંખ્યા 14,769 છે અને એ વધારીને અમે 21 હજાર કરવાના છીએ જ્યારે ખાનગી હૉસ્પિટલો  આવતે અઠવાડિયે એમની બૅડની સંખ્યા 3900થી વધારી 5000 કરવાની છે. 
અત્યારે મુંબઈમાં કોરોનાની સેકેન્ડ વેવ ચાલી રહી છે અને સેકેન્ડ વેવમાં બિલ્ડિંગોમાં રહેતા લોકો વધુ બીમાર પડી રહ્યા છે. પહેલી વેવ વખતે આવું નહોતું એ વખતે ઝૂંપડાવાસી અને ચાલવાસીઓને કોરોનાનો ચેપ વધુ લાગી રહ્યો હતો.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer