મિની લૉકડાઉનથી ગભરાશો નહીં

મિની લૉકડાઉનથી ગભરાશો નહીં
અનાજ, દૂધનો પૂરતો પુરવઠો
મુંબઈ, તા. 4 : લૉકડાઉનની ચર્ચા શરૂ થતાં સર્વસામાન્ય નાગરિકમાં કાળજી-ચિંતા નિર્માણ થઈ છે. આજે સરકારે મુંબઈ સહિત રાજ્યમાં મિની લોકડાઉનની જાહેરાત કરી છે, ત્યારે અનાજ, ભાજી, દૂધ મળશે નહીં એ ચિંતામાં સુપર માર્કેટ, અનાજની દુકાનની બહાર લાંબી કતાર જોવા મળી રહી છે. પરંતુ હકીકતમાં અનાજ, શાકભાજી, દૂધનો પૂરતો પુરવઠો હોવાનું જણાવી, લૉકડાઉનથી આવી તમામ વસ્તુઓનો પુરવઠો બાધિત થશે નહીં એવા શબ્દોમાં વેપારીઓએ નાગરિકોને આશ્વાસન આપ્યું છે.
કોરોનાનું જોર શહેરમાં વધતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉન બાબતે આગામી બે દિવસોમાં નિર્ણય લેવાની વાત જણાવી હતી. આજે વીક ઍન્ડનું લૉકડાઉન જાહેર કર્યું હતું. જેને પગલે નાગરિકોમાં ભય-ચિંતાનું વાતાવરણ નિર્માણ થયું હતું. નાગરિકોએ ખરીદી માટે પડાપડી શરૂ કરી હતી. ગરજ કરતા બમણું, ત્રણગણુ અનાજ, કઠોળ ખરીદાઈ રહ્યું છે. વધારાના શાકભાજી ખરીદવામાં આવી રહ્યાં છે, પરંતુ આ તમામની કોઈ ગરજ ન હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં સર્વ પ્રકારની જીવનાશ્યક વસ્તુનો પર્યાપ્ત પુરવઠો છે. ખાદ્યતેલનો વિચાર કરતા પામ તથા સોયાબીન તેલની મબલખ આવક છે. 60 ટકા ખાદ્યતેલ મુંબઈને પૂરું પડાય છે. ચારથી છ મહિના ચાલે એટલો પુરવઠો છે. આ જ સ્થિતિ અનાજની પણ છે. ભરપૂર અનાજ ઉપલબ્ધ છે. જાન્યુઆરીમાં ચોખાનો નવો પુરવઠો આવ્યો છે. ઘઉં, જુવારનો નવો પુરવઠો આવી રહ્યો છે. દાળનું ઉત્પાદન વધ્યું છે. તેથી ગભરાવાનું કોઈ કારણ નથી.
મુંબઈ શહેર તથા પરિસરમાં દરરોજ લગભગ 80 લાખ લિટર દૂધની માગણી હોય છે. જેમાં સરકારી આરે, મહાનંદ સહિત વારણા, ગોકુળ, અમૂલ, મધર્સ ડેરી, પ્રભાત તેમ જ પરરાજ્યોથી આવતું ગોવર્ધન અને નંદિની બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મળીને 45 લાખ લિટર દૂધનો પુરવઠો પૂરો પાડે છે. અન્ય 35 લાખ લિટર દૂધનો પુરવઠો છૂટક વેપારીઓ દ્વારા વેચાય છે. લૉકડાઉન લાગુ થાય તો પણ દૂધ પુરવઠામાં ફરક નહીં પડે. ચિંતાનું કોઈ કારણ નથી.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer