અહમદ પટેલના પુત્ર ફૈસલ કેજરીવાલને મળ્યા

અહમદ પટેલના પુત્ર ફૈસલ કેજરીવાલને મળ્યા
કૉંગ્રેસ છોડી અન્ય વિકલ્પ તરફ નજર કરવામાં આવી હોવાની અટકળો : સોશિયલ મીડિયા ઉપર તસવીર શૅર કરી
નવી દિલ્હી, તા. 4 : દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. જેનાથી અટકળો શરૂ થઈ છે કે ફૈસલ પટેલ કોંગ્રેસમાંથી અલગ થઈને અન્ય વિકલ્પની પસંદગી કરી શકે છે. અહમદ પટેલના પુત્રને કેજરીવાલ સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને લખ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મળીને ગૌરવપૂર્ણ અનુભવી રહ્યા છે. એક દિલ્હીના નિવાસીના રૂપમાં તેમની કામગીરી અને નેતૃત્વ કૌશલ્યના પોતે પ્રશંસક છે. 
આ બેઠક એક રીતે કોંગ્રેસની ચિંતા વધારનારી છે. કારણ કે અહમદ પટેલ પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીના સૌથી વફાદાર હતા અને ગાંધી પરિવાર બાદ સોથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર ગુજરાતની ચૂંટણી ઉપર છે. તેવામાં કેજરીવાલ સાથે ફૈસલ પટેલની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે. પક્ષ ગુજરાતમાં એક વિશ્વસનિય ચહેરાની તલાશમાં છે. 
થોડા સમય પહેલા જ કેજરીવાલે ગુજરાતની મુલાકાત કરી હતી અને સુરતમાં આપનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. જ્યાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ પાછળ રાખી હતી. અહમદ પટેલની ગુજરાતમાં પાર્ટી લાઈનથી ઉપર જઈને સારી એવી લોકપ્રિયતા હતી અને તેઓ ભરુચમાં ઘણા લોકપ્રિય હતા. સૂત્રોના કહેવા પ્રમાણે ફૈસલ પટેલને અહમદ પટેલના નિધન બાદ પક્ષ તરફથી કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી. ફૈસલ રાજનીતિમાં સક્રિય નથી પણ હવે પટેલ પરિવાર રાજનીતિમાં ફરી પગ જમાવવા માગે છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer